Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પતિને જીજાજી ગણાવી કર્યા બીજા લગ્નઃ બે બાળકો થયા બાદ પહેલા પતિ પાસે જતી રહી પત્નિઃ રસપ્રદ કેસ

પત્નિને મનાવવા માટે તે પોતાની સાસરી પહોંચ્યો તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતીઃ પત્નિ પોતાના પહેલા પાસે જતી રહી હતીઃ ધંધો કરતો બીજો પતિ એટલો બરબાદ થયો કે હવે રીક્ષા ચલાવી ગુજરાન કરવાનો વારો આવ્યો છે

નવી દિલ્હી, તા.૨૭: દિલ્હીની એક અદાલતમાં એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોને પાછા મેળવવા માટે ગુહાર લગાવી છે. આ મામલો જેટલો અજીબ છે એટલો જ રસપ્રદ છે. આ મહિલાએ લગ્નના અનેક વર્ષો બાદ પાડોશમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.

બંનેએ આ લગ્ન ૨૦૨૧માં કર્યા હતા. પરંતુ લગ્નનું રજીસ્ટ્રેશન ૨૦૧૮માં કરાવ્યું હતું હતું. આ લગ્ન બાદ મહિલાને બે બાળકો થયા હતા. પરંતુ એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો તો પત્ની બે બાળકોને લઈને દ્યર છોડીને નીકળી પડી હતી. બીજા પતિએ જયારે તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે પિયર ગઈ છે હવે પરત આવવા માંગતી નથી.

પત્નીને મનાવવા માટે તે પોતાની સાસરી પહોંચ્યો તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. કારણે કે પોતાની પત્ની પિયર પહોંચી જ ન્હોતી. પરંતુ પત્ની પોતાના પહેલા પાસે જતી રહી હતી. પહેલા પતિથી પણ તેને બે બાળકો હતા. આમ બે લગ્ન થકી તેને ચાર બાળકો હતા. મહિલાએ બીજા લગ્ન કરતા સમયે એ વાતને છૂપાવી હતી કે તે પહેલાથી જ પરિણીત છે. અને બે બાળકોની માતા છે. આ સમગ્ર મામલો દિલ્હીના મંડાવલી વિસ્તારનો છે.

બીજા પતિના ઘર અને દુકાનની આસપાસ જયારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેની સામાજિક રૂપથી છાપ એટલી ખરાબ થઈ કે તેને પોતાની દુકાન બંધ કરીને પોતાનો વ્યવસાય છોડવો પડ્યો હતો. જે લોકોને તેણે ઉછીના પૈસા આપી રાખ્યા હતા તે લોકોએ તેને પૈસા પાછા આપવા માટે પણ ઈન્કાર કરી દીધો હતો.

આર્થિક રીતે હાલત એટલી કંગાલ થઈ ગઈ કે તે અત્યારે રીક્ષા ચલાવીને ગુજરાન કરી રહ્યો છે. આમ છતાં પણ તે પોતાના બે બાળકો અને પત્ની સાથે રહેવા માંગે છે. કારણ કે તેના પરિવારમાં કોઈપણ સભ્ય નથી. પરંતુ પત્ની સાથે વાત કરી તો તેણે પરત આવવા માટે ઇન્કાર કરી દીધો હતો.

આવી સ્થિતિમાં દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં ફેમિલી કોર્ટમાં આ વ્યકિતએ પોતાની પત્ની પાછી લાવવા અને બાળકોની કસ્ટડી લેવા માટે અરજી કરી હતી. જોકે, કોર્ટમાં આ મામલે સુનાવણી આગામી મહિને થશે. પીડિત પતિ પોતાના બે બાળકોની કસ્ટડી લેવા માટે તે જ બાળકોનો પિતા છે એના માટે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર થયો હતો. કારણ કે પત્નીએ પોલીસ ફરિયાદ આપીને કહ્યું હતું કે તેના ચારે બાળકો પહેલા લગ્નથી જ થયા છે. હવે આગામી મહિને કોર્ટમાં સુનાવણી ઉપર પતિ આધાર રાખીને બેઠો છે.

(11:49 am IST)