Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પ.બંગાળ - આસામમાં બપોર સુધીમાં ઉત્સાહપૂર્વક મતદાન

પ.બંગાળમાં છુટક હિંસા : પશ્ચિમી મીદનાપુરમાં ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો : ભાજપ - તૃણમૂલના આરોપ - પ્રતિઆરોપ : બંગાળની ૩૦ તો આસામની ૪૭ બેઠકો માટે મતદાન : વધુ મતદાન કરવા મોદી - શાહની અપીલ

નવી દિલ્હી, તા.૨૬: પ.બંગાળ અને આસામ વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન ચાલુ છે. ત્યારે પ.બંગાળમાં બપોર સુધીમાં ૬૦ ટકા મતદાન થયું છે અને આસામમાં ૪૫ ટકા મતદાન થયું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કામાં ૩૦ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ વચ્ચે મતદાનની ટકાવારીને લઇને તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનુ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળના કેટલાક મતદાન કેન્દ્ર પર મતદાનની ટકાવારી અચાનક ઓછી થવાના મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મતદારોની સંખ્યા ૧.૫૪ કરોડથી વધારે છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૩૦ વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી મોટાભાગની બેઠકો એક સમયે નકસલ પ્રભાવ હેઠળ રહેલા જંગલમહલ વિસ્તારમાં આવે છે. આથી તમામની નજર આ વિસ્તારમાં થઈ રહેલા મતદાન પર છે. બીજી તરફ પીએમ મોદીએ બંને રાજયના મતદારોને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ આસામ અને બંગાળ બંને માટે અલગ અલગ ટ્વીટ કરીને લોકોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે. પ.બંગાળમાં મતદાન વચ્ચે છુટક હિંસા પણ થઇ છે. પશ્ચિમી મીદનાપુરમાં કેશિયારી વિસ્તારમાં બીજેપીના એક કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો છે.પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ છે. ઠેરઠેર મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે. કોરોનાકાળમાં ચંુટણીને લઈને મતદાન મથકો પર કોવિડ ૧૯ના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ટ્વિટ કરીને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી છે. આસામમાં પ્રથમ તબક્કામાં ૩૦ બેઠકો પર મતદાન છે અને ૭૩ લાખથી વધુ મતદારો ૧૯૧ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આસામ વિધાનસભાની ૧૨૬ બેઠકમાંથી આજે ૪૭ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હીરેન્દ્રનાથ ગોસ્વામી અને આસામ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાની કિસ્મત દાવ પર છે. આ ઉપરાંત સત્તાધારી ભાજપ તથા આસામ ગણ પરિષદના અનેક મંત્રીઓનું કિસ્મત પ્રથમ તબક્કામાં ઈવીએમમાં કેદ થશે.

આસામમાં આ તબક્કામાં મોટાભાગની બેઠક સત્તાધારી ભાજપ-એજીપી ગઠબંધન, કોંગ્રેસના વડપણ હેઠળનું વિપક્ષ મહાગઠબંધન અને નવરચિત આસામ જાતીય પરિષદ (એજેપી) વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો અંદાજ છે. આ માટે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે સાથે આ બંને જગ્યાએ મતદાન થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજયમાં ૨૭૪ વિધાનસભાની બેઠક માટે ૨૭મી માર્ચથી ૨૯ એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ફકત પાંચ જિલ્લાની ૩૦ બેઠક માટે મતદાન યોજાયું છે.

(3:38 pm IST)