Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુએજ કેનાલ કટોકટી : ભારતીય વેપાર ઠપ્પ થવાના એંધાણ

ક્રુડ - ઓટો - કપાસ - સ્ટીલ વગેરે બે સપ્તાહ મોડા પહોંચશે : ભાડામાં વધારો થશે : વૈશ્વિક અર્થતંત્ર પણ હાલક-ડોલક : અબજો રૂપિયાનો માલ-સામાન અટવાયો : જહાજને બહાર કાઢવા પ્રયાસો

નવી દિલ્હી તા. ૨૭ : સુએઝ કેનાલ બ્લોકેજના લીધે પૂર્વ - પશ્ચિમ વચ્ચેના શીપીંગ અસ્તવ્યસ્ત થવાના કારણે ભારતીય વેપારને અસર થઇ શકે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાના કારણે અમુક ચીજોના ભાવમાં વધારો પણ થઇ શકે છે.

ભારતથી યુરોપ, ઉતર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જતા ક્રુડ, ટેક્ષટાઇલ, ફર્નીચર, કપાસ, ઓટોપાર્ટસ અને મશીનરી પાર્ટસના શીપમેન્ટ ૧૦ થી ૧૫ દિવસ મોડા પહોંચવાની શકયતા છે. કેમકે સુએઝના બન્ને કિનારાની વચ્ચે ૪૦૦ મીટરનું બ્લોકેજ થવાથી કેનાલમાં અડચણ ઉભી થઇ છે.

ભારતમાં આયાત થતા ક્રુડ, સ્ટીલ, ઉત્પાદનો અને ભંગાર જેવા કાચો માલ તેમજ મશીનરી પાર્ટસ, ફીનોલ અને એનીલાઇન જેવા કેમીકલોને પહોંચવામાં મોડું થશે. આ બ્લોકેજના કારણે ભારતથી અવર-જવરના ભાડામાં ૫ થી ૧૫ ટકાનો વધારો થવાનો શીપ્સીનું અનુમાન છે.

ભારતનો સુએઝ થઇને થતો વેપાર વાર્ષિક ૨૦૦ બીલીયન ડોલરનો છે. ૧૯૩ કિમી લાંબી કેનાલમાં મંગળવારથી ૧૬૦ જહાજો ફસાયેલા છે અને રસ્તો સાફ થવાની રાહ જોઇ રહ્યા છે.

સુએઝ કેનાલમાં વિશાળકાય કાર્ગો શિપ ફસાઈ ગયું છે. જેના કારણે વૈશ્વિક વેપારને માઠી અસર પડી રહી છે. આ શિપ ફસાઈ જવાથી પ્રતિ દિવસ ૯.૫ બિલિયન ડોલરના માલ-સામાનને બ્લોક કરી રહ્યું છે. જેમાં ખોરાક અને ઓઈલના શિપમેન્ટ પણ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આના કારણે વૈશ્વિક અર્થવ્યસ્થા પર અસર પડશે. પનામા રજિસ્ટર્ડ આ જહાજ ચીનથી નેધરલેન્ડના રોટરડેમ જઈ રહ્યું હતું.

૨,૦૦,૦૦૦ ટનનું કાર્ગો શિપ એવર ગિવન આ સાંકડી કેનાલમાંથી પસાર થઈ રહ્યું હતું અને તે મંગળવારે ફસાઈ ગયું હતું. જેના કારણે ૧૫૦ જેટલા અન્ય જહાજો પણ આગળ વધી શકતા નથી અને તેના કારણે ભારે જામની પરિસ્થિતિ સર્જાઈ છે. આ શિપ ફસાઈ જવાની અસર વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે જેમાં બુધવારે ક્રુડ ઓઈલની કિંમતમાં ૬ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો.

જો આ જહાજને ઝડપથી બહાર કાઢવામાં નહીં આવે તો શિપિંગ કંપનીઓ પાસે તેમના જહાજો આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપના માર્ગેથી લઈ જવા પડશે જેનાથી તેમના પર આર્થિક બોજો વધી જશે. એટલું જ નહીં તેમની મુસાફરી પણ ૧૪ દિવસ વધી જશે. જેના કારણે એશિયાથી યુરોપ જઈ રહેલા માલ-સામાનની કિંમત પણ વધી જશે. આ માલ-સામાનમાં કાર, કન્સ્ટ્રકશન મટિરિયલ અને કોરોના વાયરસ પીપીઈ કિટ્સ જેવો મહત્વનો સામન પણ સામેલ છે. શિપિંગ કંપનીઓ લાંબા રૂટના કારણે તેમના પર વધારે આર્થિક ભારને સરભર કરવા માટે કિંમતમાં વધારો કરશે.જહાજને બહાર કાઢવા માટે લોકો મહેનત કરી રહ્યા છે અને તેમની એક ડચ ટીમના સીઈઓએ જણાવ્યું હતું કે, જો ખોદકામ દ્વારા જહાજ બહાર નહીં નીકળે તો કારીગરોને શિપ પરથી કન્ટેનર્સ ઉતારવા પડશે જેના કારણે જહાજને બહાર કાઢવામાં અઠવાડિયાઓ નીકળી જશે. ડચ કંપની બોસ્કાલિસના સીઈઓ પીટર બેર્ડોવસ્કીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ જોતા નિર્ણય લેવામાં આવશે અને આપણે જહાજને કાઢવામાં ઘણા સપ્તાહ પસાર થઈ જશે તે વાતને પણ નકારી શકીએ નહીં.

જહાજના કારણે રેતી પર ઘણું દબાણ છે તેથી તેનું ખોદકામ ઘણું મુશ્કેલ છે. તેથી વજન ઓછુ કરવા માટે શિપ પરથી કન્ટેનર્સ, પાણી અને ઓઈલ હટાવવું ડી શકે છે. કેનાલના કર્મચારીઓ જહાજ કાઢવા માટે ભારે મહેનત કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

(11:48 am IST)