Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

' આયુર્વેદની કમાલ ' : દેશની એક એવી આયુર્વેદિક હોસ્પિટલ કે જ્યાં કોરોનાથી એકપણ ડોક્ટર કે કર્મચારી સંક્રમિત થયા નથી : રાજધાની દિલ્હીમાં આવેલી આ ' અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ' માં હજારો દર્દીઓ કોરોનાથી મુક્ત થયા : હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલી ' આયુરક્ષા કીટ ' કોરોના કાળમાં વરદાનરૂપ સાબિત થઇ

ન્યુદિલ્હી : આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં એક એવી આયુર્વેદિક હોસ્પિટલ છે કે જ્યાં કોરોનાથી  એકપણ ડોક્ટર કે કર્મચારી સંક્રમિત થયા નથી . આ હોસ્પિટલમાં હજારો કોરોનાગ્રસ્ત દર્દીઓ આવી ચુક્યા છે અને સાજા  થઇ ઘેર પરત ગયા છે.આ હોસ્પિટલ દેશની રાજધાની દિલ્હીમાં આવેલી છે. જેનું નામ ' અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ' છે. શુક્રવારે સંસ્થાનના દિક્ષાંત સમારોહ ' ઉડાન ' માં આયુષ વિભાગના સચિવ તથા સંસ્થાનના નિર્દેશકે આ વાતની જાણકારી આપી હતી.

આયુષ વિભાગના સચિવ વૈદ્ય શ્રી રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આ એક જ એવી હોસ્પિટલ છે કે જેના ડોક્ટર્સ કે સ્ટાફ પૈકી કોઈ પણ કોરોનાથી  સંક્રમિત થયું નથી.દુનિયામાં કોરોનાનો ઈલાજ કરવાવાળા ડોકટરો પૈકી 11 ટકા સંક્રમિત થયા છે.ભારતમાં આ પ્રમાણ 7 ટકા છે.
આનું કારણ એક જ છે કે આ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફને આયુર્વેદ ઉપર ભરોસો છે. હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલી ' આયુરક્ષા કીટ ' કોરોના કાળમાં વરદાનરૂપ સાબિત થઇ છે.

ડોક્ટર તનુજાએ જણાવ્યું હતું કે દિલ્હીના 80 હજાર પોલીસ કર્મીઓને આ કીટ આપી હતી. ત્યારપછી કરેલા અભ્યાસમાં જોવા મળ્યું હતું કે આ કીટથી તેઓ કોરોના સંક્રમિત થતા બચી શક્યા હતા એટલું જ નહીં તેઓની ઈમ્યુનીટીમાં વધારો થયેલો જોવા મળ્યો હતો. આ કીટમાં ગિલોય સાથે ઉકાળો તથા પરમાણુ તેલ આપવામાં આવતા હતા.

સચિવ  શ્રી પી.એન.પાઠકે જણાવ્યું હતું કે આયુર્વેદે વિશ્વમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. ' ફિટનેસ અભિયાનમાં આયુર્વેદ અને યોગાને શામેલ કરાયા છે.જેમાં જોડાઈને દેશના કરોડો લોકો તંદુરસ્ત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક સંસ્થાનમાં આયુર્વેદ ચિકિત્સકોની કાયમી ધોરણે નિમણુંક થઇ છે. જેનાથી આયુર્વેદના મહત્વનો ખ્યાલ આવી શકશે.તેમજ ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરનાર આયુર્વેદના માધ્યમથી નિરોગી બને છે.તથા'  ફિટ ઇન્ડિયા ' દ્વારા માનસિક તેમજ શારીરિક રીતે સ્વસ્થ બને છે.તેવું ડી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:09 am IST)