Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઈથોપિયામાં પરિવારની મહિલાનો રેપ કરવાની પુરૂષોને ફરજ પાડવામાં આવે છેઃ યુએન

ન્યૂયોર્ક, તા.૨૭: ઈથોપિયાના ટિગ્રે વિસ્તારમાં સશસ્ત્ર સંદ્યર્ષ ચાલી રહ્યો છે. એ વિસ્તારમાં મહિલાઓ પર વારંવાર હથિયારધારી શખ્સો ગેંગરેપ કરતાં હોવાનો અહેવાલ યુએને આપ્યો હતો. એટલું જ નહીં, પરિવારના જ પુરૂષોને મહિલાનો રેપ કરવાની ફરજ પાડવામાં આવે છે.

ઈથોપિયા સ્થિત યુએન પ્રતિનિધિએ અહેવાલ આપ્યો હતો કે ટિગ્રે વિસ્તારમાં બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે. છેલ્લાં દિવસોમાં ૫૦૦ મહિલાઓ બળાત્કારનો ભોગ બની હતી. બર્બરતાની હદ તો એ હતી કે હથિયારધારી પુરૂષો મહિલાઓ પર ગેંગરેપ કરે છે. એ પછી પરિવારના પુરૂષોને એ મહિલાનો રેપ કરવાની ફરજ પાડે છે.

ટિગ્રે વિસ્તારની મહિલાઓએ યુએનના પ્રતિનિધિને કહ્યું હતું એ પ્રમાણે હથિયારધારી શખ્સો પરિવારના સભ્યોની સામે જ મહિલાઓનો રેપ કરે છે. એ પછી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપીને કે પછી એ મહિલાને મારી નાખવાની ધમકી આપીને પરિવારના નજીકના સંબંધી થતાં હોય એવા પુરૂષોને એ મહિલાઓનો રેપ કરવાનું કહેવામાં આવે છે. ઘણી વખત તો પરિવારના એકથી વધુ પુરુષોને મહિલાનો ગેંગરેપ કરવા મજબૂર કરવામાં આવે છે.

યુએનના પ્રતિનિધિના કહેવા પ્રમાણે છેલ્લાં દિવસોમાં બળાત્કારના ૫૧૬ કેસ સામે આવ્યાં છે, પરંતુ હકીકતે તો આ સંખ્યા હજારોમાં હોવાની શકયતા છે.

ઉલ્લેખનીય છે કે ટિગ્રે વિસ્તારમાં ઈથોપિયાના સૈન્ય અને સ્થાનિક લોકો વચ્ચે સંદ્યર્ષ ચાલી રહ્યો છે. ટિગ્રે પીપલ્સ પાર્ટી લિબરેશન ફ્રન્ટ નામનું સંગઠન અલગ થવા માટે આંદોલન ચલાવે છે અને તેના કારણે એ વિસ્તારમાં લોહીયાળ જંગ શરૂ થયો છે.

(9:57 am IST)