Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર

એસો. ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજીને ફગાવાઈ :દેશમાં પાંચ રાજ્યમાં ચૂંટણી છે ત્યારે બોન્ડના વેચાણ પર સ્ટે આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઈ હતી

નવી દિલ્હી, તા. ૨૬ :સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે મુકવાની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજીને ફગાવતા ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે આપવાનો ઈક્નાર કરી દીધો હતો.

એનજીઓ દ્વારા રાજકીય પાર્ટીઓના ફન્ડિંગને લઈને તેમજ હિસાબોમાં કથિત પારદર્શિતાના અભાવ અંગે કરાયેલી પીઆઈએલ પડતર હોવાથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ પર સ્ટે આપવા માટે માંગ કરી હતી. અગાઉ જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી સુબ્રમણિયમનો સમાવેશ છે તે બેન્ચને કેન્દ્રે જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ વચ્ચે ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ કરવામાં આવશે.

એનજીઓએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળ અને આસામ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેવા સમયે ઈલેક્ટોરલ બોન્ડ્સના વેચાણને મંજૂરી આપવાથી રાજકીય પક્ષો દ્વારા બેનામી કંપનીઓ મારફતે ગેરકાયદે ભંડોળ મેળવવાનું પ્રમાણ ગંભીર રીતે વધે તેવી આશંકા છે.

૨૪ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે એનજીઓની અરજી પર ચુકાદો અનામત રાખતા ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા એકત્ર કરાતા ભંડોળનો સંભવિત દુરૂપયોગ આતંકવાદી અને ગેરકાયદે પ્રવૃતિ માટે થઈ શકે તે મુદ્દો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે ભંડોળનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના શું સરકાર નિયંત્રણ ધરાવે છે.

ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવાતા નાણાંનો ઉપયોગ કોઈ ખોટા કામ પાછળ નથી થતો તે મુદ્દે સરકારે ધ્યાન રાખવું જોઈ તેવી ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી. બેન્ચે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે આ નાણાંનો ઉપયોગ રાજકીય પક્ષો તેમની રાજકીય પ્રવૃતિને બદલે અન્ય પ્રવૃતિ માટે પણ કરી શકે છે.

જો કોઈ રાજકીય પક્ષ રૂ. ૧૦૦ કરોડ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવે છે તો તેની શું ખાતરી છે કે, આ ભંડોળનો અન્ય કોઈ કામ માટે દુરૂપયોગ નહીં થાય. આ મામલે કેન્દ્રે બેન્ચને જણાવ્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડની મુદત ૧૫ દિવસની હોય છે અને રાજકીય પક્ષોએ પણ રિટર્ન ફાઈલ કરવું પડે છે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને વ્હાઈટ મનીનો ઉપયોગ કરવો પડે છે અને આ પ્રક્રિયા બેક્નિંગ ચેનલથી થાય છે. આતંકવાદી પ્રવૃતિમાં વ્હાઈટ મનીનો ઉપયોગ નથી થતો તેમ સરકારે કોર્ટને જણાવ્યું હતું. એનજીઓએ એવો પ્રશ્નો ઉપસ્થિત કર્યો હતો કે દાતાનું નામ જાહેર નથી કરાતું અને અગાઉ ચૂંટણી પંચ તેમજ રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયાએ પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મોટાભાગનું ઈલેક્ટરોલ બોન્ડથી ભંડોળ શાસક પક્ષને મળ્યું છે.

(12:00 am IST)