Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રવિવારથી મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લદાયો : ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય

કોરોનાએ હાહાકાર મચાવતા આખા રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લદાયો :જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસોની વચ્ચે આજે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, હવેથી આખા રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.

 મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં લગાતાર વધારો થઈ રહ્યો છે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી હતી, પરંતુ કોરોના સંક્રમણમાં કમી આવી નહોત, જેના લીધે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 

રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ આજે જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે કહ્યું હતું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ફરી લાગુ કરવું જોઈએ કે નહીં તે વિશેનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકાર 2 એપ્રિલ પછી લેશે.

નાયબ મુખ્ય પ્રધાને રાજ્યમાંની પરિસ્થિતિ વિશે આજે સમીક્ષા કરી હતી. આજની બેઠકમાં ટોચના સરકારી અધિકારીઓ, મેડિકલ નિષ્ણાતો તથા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. એમાં તમામનો એવું મંતવ્ય હતું કે જો કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધતી જ રહે તો આપણી પાસે ફરી કડક લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. અજિત પવારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ કોવિડ-19ને લગતા નિયમોનું કડક રીતે પાલન કરે નહીં તો મહારાષ્ટ્ર સરકારને ફરી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે. અમે 2-એપ્રિલ સુધી પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું અને જો અમને જણાશે કે લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા નથી તો સરકાર પાસે લોકડાઉન લાગુ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

(12:00 am IST)