Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મેળામાં ફૂગ્ગા ફોડતા ઐશ્વર્યએ વર્લ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેળવ્યો

પુત્રના હુન્નરને ઓળખી કરેલી મહેનતનું પરિણામ : ઐશ્વર્ય પ્રતાપસિંહે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં વિશ્વના નંબર-૧ ખેલાડી હંગેરીના સ્તવાન પૈનીને હારવ્યો

ભોપાલ : મધ્યપ્રદેશમાં મેળામાં ફૂગ્ગા ફોડતા દીકરાના હુન્નરને ઓળખીને પિતાએ દીકરા પાછળ કરેલી મહેનતનું સારું પરિણામ મળ્યું છે.  મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના નાના રતનપુર ગામમાં એક ખેડૂત પરિવારના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સવારથી તેમના ઘરે શુભેચ્છાઓ આપવા માટે લોકો એકઠા થઈ રહ્યા છે. પરિવારના લોકો શુભેચ્છા પાઠવવા માટે આવેલા લોકોનું મોઢું મીઠું કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને આ ઉજવણીની તક તેમના દીકરાએ આપી છે જે માત્ર ૧૯ વર્ષનો છે, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં દેશને ગોલ્ડ અપાવ્યો છે. ઐશ્વર્યએ આ સફળતા અપાવીને પોતાના પરિવારની સાથે દેશનું નામ રોશન કર્યું છે. શૂટિંગમાં ઐશ્વર્યએ વિપરીત પરિસ્થિતિઓ છતાં દુનિયાના નંબર-૧ ખેલાડીને હરાવીને ગોલ્ડ જીત્યો છે.

દીકરા ઐશ્વર્યએ પ્રાપ્ત કરેલી સિદ્ધિ પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. ખરગોનની જિલ્લા કચેરીથી ૭૦ કિલોમીટર દૂર આવેલા રતનપુરમાં રહેતા ખેડૂતના પુત્ર ઐશ્વર્ય પ્રતાપસિંહે એ કરી બતાવ્યું જેનાથી આખું ગામ જાણે દિવાળી આવી હોય તે રીતે ગેલમાં આવી ગયું છે. ગામના લોકો ઐશ્વર્યના હુન્નરથી અજાણ નહોતા પરંતુ તેણે મેળવેલી ઉચ્ચ સિદ્ધિથી તેમની છાતી ગદગદ ફૂલી રહી છે. ઐશ્વર્ય પ્રતાપસિંહે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં દુનિયાના નંબર-૧ ખેલાડી હંગેરીના સ્તવાન પૈનીને હારવ્યો છે. પરિવારના લોકોએ જણાવ્યું કે ઐશ્વર્ય શરુઆતથી જ ઘણો મહેનતું હતો. તેને ટ્રેનિંગ માટે અમે લોકોએ ભોપાલ મોકલ્યો હતો.

ઐશ્વર્ય પ્રતાપસિંહ જણાવે છે કે ક્વોલિફિકેશન રાઉન્ડ ઘણો જ મુશ્કેલ હતો, કારણ કે હવાની ગતિ વધુ હતી. કોચે સમજાવ્યું હતું કે જે દબાણ છે તેને હેન્ડલ કરવાની જરુર છે. જેનું તેણે પરફેક્ટ એક્ઝીક્યુશન કર્યું છે. ઐશ્વર્યએ આ કમામ દિલ્હીમાં ચાલી રહેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપના છઠ્ઠા દિવસે કરી બતાવી છે. આ ઐશ્વર્યનો વર્લ્ડકપમાં પહેલો ગોલ્ડ મેડલ છે. ઐશ્વર્ય મધ્યપ્રદેશમાં આવેલા રતનપુર ગામમાં રહેતા બહાદુરસિંહ તોમરનો દીકરો છે. આ જીત બાદ ઐશ્વર્યને ઓલિમ્પિક કોટા મળ્યો છે.

ઐશ્વર્યનું ભણતર ગામમાં પૂર્ણ થયું હતું. તે પછી પરિવારના સભ્યોએ તેને ખરગોન મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યાં તેણે ધોરણ-૯ સુધીનો અભ્યાસ કર્યો હતો. પિતાએ કહ્યું કે તેના પર વધારે ભણવાનું દબાણ નહોતું કરાયું. તેના શૂટિંગની સ્કીલને આગળ વધારવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યએ ૩ દિવસ પહેલા જ વર્લ્ડ કપમાં દીપક કુમાર, પંકજ કુમારની સાથે ટીમ ઈવેન્ડમાં ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.

ઐશ્વર્ય પ્રતાપસિંહ ૬ વર્ષનો હતો ત્યારે તેની પાસે ઘણાં રમકડા હતા પરંતુ તે માત્ર પિસ્તલ જ રમતો હતો. તેના પિતાએ જણાવ્યું કે એક દિવસ મેળામાં ગયા તો ત્યાં તેણે છરાવાળી બંદૂકથી ફૂગ્ગા ફોડવાની જીદ કરી હતી, ત્યારે તેને તક મળી તો ફૂગ્ગા ફોડી નાખ્યા. આ પછી રતનપુરની આસપાસમાં થતા આવા કાર્યક્રમોમાં ઘણાં નિશાન લગાવ્યા, અહીંથી ખ્યાલ આવ્યો કે તે નિશાનબાજીમાં ઘણું સારું કરી શકે છે અને તેને આ દિશામાં આગળ મોકલવા માટે બનતા પ્રયાસો કરવામાં આવ્યા.

એસપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે ખરગોન જ નહીં પરંતુ આખા દેશ માટે આ ગૌરવની વાત છે. એશ્વર્ય પ્રતાપસિંહ તોમરે અડચણોભરી પરિસ્થિતિ હોવા છતાં દેશ માટે નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ખેડૂત પૂત્ર માટે આ મોટી ઉપલબ્ધી છે. ઝડપી પવન ફૂંકાતો હતો આમ છતાં તેણે ડગ્યા વગર મોટી સફળતા મેળવી તે ખુશીની વાત છે. હું ઐશ્વર્ય સિંહના ઉજવળ ભવિષ્યની કામના કરું છું.

ઐશ્વર્યના કાકા નીતિ રાજસિંહ તોમર જણાવે છે કે, ઐશ્વર્યની શરુઆતમાં જ નિશાનબાજીમાં ઘણી ઈચ્છા હતી. તેનું બાળપણમાં ભણવામાં મન જ નહોતું લાગતું, માટે તેને શૂટિંગ માટે ભોપાલમાં સ્પોર્ટ્સ એકેડમીમાં મોકલી દીધો હતો. તેણે ત્યાં કઠોર મહેનત કરી અને આ સફળતાઓ હાંસલ કરી છે. તેણે ૨૦૧૯માં જૂનિયર વર્લ્ડકપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અત્યારે જે દિલ્હીમાં સિનિયર વર્લ્ડકપ ચાલી રહ્યો છે તેમાં તેણે માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં જ ગોલ્ડ મેડલ જીત્યો છે.

(12:00 am IST)