Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કેરાલા પર ધ્યાન આપવા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં પ્રચારથી દૂર રહ્યા

કોંગ્રેસના નેતાનું ચૂંટણી પ્રચારનું ખાસ ગણિત :પહેલા ચરણની ૩૦ સીટની ચૂંટણી માટે ૨૭મીએ મતદાન

નવી દિલ્હી, તા. ૨૬ : કેરાલા અને આસામમાં ચૂંટણી સભાઓને સંબોધનાર રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાંથી ગાયબ છે.જેને લઈને આશ્ચર્ય સર્જાયુ છે.

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે ૨૭ માર્ચે મતદાન થશે.આ મતદાન ૩૦ બેઠકો માટે થશે.આ બેઠકો પરનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે.પહેલા તબક્કાની ચૂંટણી માટે ભાજપ તરફથી પીએમ મોદી સહિતના બીજા દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો છે પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચારમાંથી ગાયબ રહ્યા છે. જાણકારોનુ કહેવુ છે કે, કોંગ્રેસ કેરાલામાં ડાબેરીઓ સામે ચૂંટણી લડી રહી છે અને બંગાળમાં ડાબેરીઓ સાથે કોંગ્રેસે જોડાણ કરેલુ છે.આ સંજોગોમાં લેફટ સાથે ચૂંટણી પ્રચાર કરવાના કારણે કેરાલામાં કોંગ્રેસ નબળી પડી શકે છે.આથી કેરાલાને પ્રાથમિકતા આપીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બંગાળના ચૂંટણી પ્રચારમાં ઝુકાવી રહ્યા નથી.જોકે કેરાલા અને આસામમાં રાહુલ ગાંધી સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની ચિંતા છે કે, બંગાળમાં વધારે પડતા આક્રમક પ્રચારનો ફાયદો ભાજપને મળી શકે છે અને મમતા બેનરજીની લડાઈ કમજોર થઈ શકે છે. કોંગ્રેસને એવુ પણ લાગી રહ્યુ છે કે, જો મમતા બેનરજી આ ચૂંટણી હારી જશે તો ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના દાવા પર પણ અસર પડશે.

(12:00 am IST)