Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાહતના એંધાણ :કોરોના વાયરસમાં "મ્યૂટેશન" નહિ થતા તેની દવા-વેક્સિન બન્યા બાદ લાંબો સમય ઉપયોગી થશે

કોરોના જેનેટિક સ્ટ્રક્ચરને નહી બદલી શકતો હોવાથી લાંબો સમય સુધી કામ કરતી વેક્સિન બનાવવાનું સરળ

નવી દિલ્હી : કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે કોરોનાની સારવાર માટે દવા-વેક્સિન શોધવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી દવા કે વેક્સિન બનાવી શકાઈ નથી હાલમાં મોટાભાગના દેશો મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોક્વિનથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.ત્યારે રાહતના એંધાણ મળ્યા છે 

 

   વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું કે, કોરોના વાયરસ એંફ્લુએન્જાની જેમ ઝડપથી જેનેટિક સ્ટ્રક્ચર બદલી રહ્યો નથી , આ જાણકારી વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ માટે ઘણી રાહત આપનારી છે. ભારતમાં જ્યારે વૈજ્ઞાનિકોએ તેના સ્ટ્રેનને અલગ કર્યો હતો તો, બતાવ્યું હતું કે, તેની સંરચના લગભગ વુહાનમાં મળેલા વાયરસ જેવી જ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના વાયરસ જેનેટિક સ્ટ્રક્ચરને નહી બદલી શકતો હોવાથી લાંબો સમય સુધી કામ કરતી વેક્સિન બનાવવાનું સરળ થશે.

          અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ફ્લુએન્જા જેવા કેટલાક વાયરસ પોતાની જેનેટિક સંરચના બદલતા રહે છે. આ કારણે તેમના માટે દર વખતે નવી જેનેટિક સંરચના પ્રમાણે નવી વેક્સિન(Vaccine) બનાવવી પડે છે.

        ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોના કોરોના વાયરસ સ્ટ્રેન(Strain)ને અલગ કરવામાં સફળ થવા પર જણાવ્યું હતું કે, આ કેટલાએ દેશોમાં રહેતા લોકો દ્વારા ભારત સુધી પહોંચ્યો છે. સામાન્ય રીતે કોઈ વાયરસ એકથી બીજા માનવ શરીરમાં પહોંચ્યા બાદ પોતાનું જેનેટિક સ્ટ્રક્ચર બદલતો રહે છે. વાયરસની જેનેટિક સંરચના બદલવાની પ્રક્રિયાને મ્યૂટેશન કહેવાય છે.
         ભારતમાં જ નહીં કોરોના વાયરસનું જેનેટિક સ્ટ્રક્ચર પુરી દુનિયામાં વુહાનમાં મળી આવેલા વાયરસ જેવું જ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, જો આ વાયરસને રોકવા માટે કોઈ વેક્સિન અથવા દવા બનાવી લેવામાં આવે છે તો, તે લાંબા સમય સુધી કારગર રહેશે.
         કોરોના વાયરસના જેનેટિક કોડનું અધ્યયન કરનાર અમેરિકન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વાયરસમાં મ્યૂટેશન થઈ તો રહ્યું છે, પરંતુ તેની પ્રક્રિયાની ઝડપ ખુબ ધીમી છે. જેથી બનનારી કોઈ પણ દવા અથવા વેક્સિન લાંબો સમય સુધી સારવારમાં ઉપયોગ કરી શકાશે. જોકે, આ વેક્સિન બનાવવામાં 12થી 18 મહિનાનો સમય લાગી જશે. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના બેન્ઝામિન ન્યૂમન અને યુનિવર્સિટી ઓફ ઈવોના સ્ટેનલી પર્લમનનું પણ કહેવું છે કે, આ વાયરસમાં મ્યુટેશન નથી થઈ રહ્યું, જે સારા સમાચાર છે.

(10:51 pm IST)