Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઇંધણ પુરતા પ્રમાણમાં મળે તેવું આયોજન : આઈઓસી

કટોકટી વચ્ચે એલપીજીની માંગને પહોંચી વળાશે : ઈન્ડિયન ઓઈલ દ્વારા એલપીજી ઉત્પાદન વધારી દેવાયું

અમદાવાદ,તા. ૨૭દેશભરમાં પ્રસરેલી કોરોના મહામારીને પગલે પેટ્રોલ, ડીઝલ, ફ્યુઅલ ઓઈલ, બિટુમેન જેવી પેટ્રોલિયમ પેદાશોની માગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત ઉડ્ડયન સેવાઓ બંધ કરાવાને કારણે એટીએફ(એવિએશન ટર્બનાઈન ફ્યુઅલ)ની માગમાં પણ તીવ્ર ઘટાડો જોવાયો છે. બાબતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન ઓઈલે તેની મોટાભાગની રિફાઈનરીઝમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનને ૨૫થી ૩૦ ટકા જેટલું નિયંત્રિત કરી દીધું છે. સાથે કોરોના સંકટ વચ્ચે પણ પૂરતા પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ બનાવવા આઇઓસી દ્વારા કટિબધ્ધતા વ્યકત કરાઇ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હાલમાં કોરોનાને લઇ સમગ્ર વિશ્વની ઘટનાઓ પર ચાંપતી નજર રાખી તે અનુસાર પગલાં ભરી રહ્યું છે.

         હાલમાં તમામ આરઓ (રિટેલ ઓપરેશન્સ) ખાતે પુરતા કર્મચારીઓ છે અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી. તમામ ગ્રાહકોની માગ સંપૂર્ણ રીતે સંતોષવામાં આવી રહી છે.તમામ રિટેલ ઓપરેશન્સ કાર્યરત છે. મોટાભાગની પેટ્રોલિયમ પેદાશોની માગમાં ઘટાડાથી વિપરીત એલપીજી રાંધણ ગેસની માગમાં વધારો નોંધાયો છે. એલપીજીની વધતી માગને પહોંચી વળવા માટે ઈન્ડિયન ઓઈલ તેની મોટી રિફાઈનરીઝમાં એલપીજીનું ઉત્પાદન વધારવા માટે કામગીરીને વધુ ઝડપી બનાવી તથા એફસીસી-ઈન્ડમેક્સ જેવા એલપીજી ઉત્પાદક એકમો પાસેથી એલપીજીની નિપજમાં સુધારો કરવા જેવા પગલાં ભરી રહ્યું છે. બોટલિંગ પ્લાન્ટની કામગીરી તથા એલપીજી રિફિલની ડિલિવરીઝને પણ તે મુજબ સુનિયોજિત કરવામાં આવ્યાં છે.

       ગ્રાહકો માટેનો ઈમરજન્સી સર્વિસ સેલ નંબર ૧૯૦૬ પણ રાબેતા મુજબ ચાલુ છે. પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી એલપીજીના ગ્રાહકોએ ચિંતામાં આવીને બૂકીંગ કરવા પડાપડી કરવાની જરૂર નથી. અત્યારના સંકટના સમયે ઈન્ડિયન ઓઈલ તમામ માન્ય પદ્ધતિઓના માધ્યમથી ઈમરજન્સી ફ્યુઅલિંગ ઉપલબ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે. કંપનીના બલ્ક સ્ટોરેજ ઈન્સ્ટોલેશન, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ, ફ્યુઅલ સ્ટેશન્સ તથા એલપીજી વિતરણ કેન્દ્રોને આવશ્યક સેવાઓ જાળવી રાખવા માટે સંબંધિત રાજ્ય સરકારો-સ્થાનિક વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરવા જણાવાયું છે. કોર્પોરેશન દ્વારા તેના કર્મચારીઓ, સર્વિસ પૂરી પાડનારાઓ, કરાર આધારિત કર્મચારીઓ, પેટ્રોલ પંપ ડિલર્સ તથા ગ્રાહકને સેવા પૂરી પાડતા કર્મચારીઓ, એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ તથા ડિલિવરી બોયઝ વગેરેના આરોગ્ય અને સલામતી પર વિશેષ ભાર મુકી સાવચેતીના વિવિધ આગોતરાં પગલાં લીધાં છે.

        કોવિડ-૧૯ સંબંધિત તમામ બાબતોની કામગીરી માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જેણે કંપનીના બિન-મહત્વના તમામ કાર્યસ્થળોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા કામગીરીને સુનિયોજિત બનાવી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. જોકે મહત્વના રિફાઈનિંગ, પુરવઠા અને વિતરણના સ્થળોએ આરોગ્ય અને સલામતીની પૂરતી વ્યવસ્થા સાથે  પુરતા કર્મચારીઓ ફરજ પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત કર્મચારીઓને ૨૪ કલાકની શિફ્ટમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં  ફાયર સેફ્ટી, મેડિકલ અને અન્ય આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે.

       કરાર આધારિત શ્રમિકોને અત્યંત આવશ્યક અને મહત્વની કામગીરીમાં જરૂર હોય તેવા સંજોગોમાં હેન્ડ-સેનિટાઈઝર્સ તથા માસ્ક જેવા કોવિડ-૧૯ના નિવારણ અને સાવચેતીના પૂરતાં પગલાં લીધાં પછી ફરજ પર બોલાવાય છે. પેટ્રોલ પંપ્સ સુધી પેટ્રોલિયમ ઉત્પાદનોને પહોંચાડતા ટેન્ક ટ્રક ડ્રાઈવર્સ માટે પણ પૂરતી કાળજી લેવાય છે. આંતરિક અને બાહ્ય હિસ્સેદારો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવે છે. અનેક મર્યાદાઓ વચ્ચે પણ ઈન્ડિયન ઓઈલ તમામ નિવારાણાત્મક પગલાં સાથે તેના માનવંતા ગ્રાહકો અને કટોકટીની સેવાઓ માટે ઈંધણનો પુરવઠો ઉપલબ્ધ બનાવવા પ્રતિબદ્ધ છે.

(9:45 pm IST)