Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા બેની પ્રસાદ વર્માનું નિધન

રાજ્યસભા સાંસદ બેની પ્રસાદ વર્માનું લાંબી બીમારી બાદ નિધન થયું

લખનઉઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ બેની પ્રસાદ વર્માનું લાંબી બીમારી બાદ નિધન થયું છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્મા લાંબા સમયથી બીમાર હતા અને લખનઉની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 

 પાર્ટીએ પોતાના સત્તાવાર હેન્ડલથી ટ્વીટ કર્યું, 'પાર્ટીના વરિષ્ઠ નેતા, રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્મા જી અને અમારા બધાના પ્રિય 'બાબુ જી'નું નિધન અપૂરણીય ક્ષતિ છે. પરિવાર પ્રત્યે સંવેદના. શત-શત નમન અને અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ.'

 5 વખત લોકસભા સાંસદ બેની પ્રસાદ વર્મા ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક મોટો ચહેરો હતા. તેઓ પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન ઘણા વર્ષો સુધી લોક નિર્માણ વિભાગના મંત્રી રહ્યાં હતા. 2009માં તેમણે સમાજવાદી પાર્ટી છોડી અને કોંગ્રેંસમાં જોડાયા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં ગોંડાથી સાસંદ બનીને તેઓ યૂપીએ-2 સરકાર દરમિયાન સ્ટીલ મંત્રી રહ્યાં હતા. 2016માં તેઓ ફરી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

  બેની પ્રસાદ વર્મા રાજકીય વર્તુળોમાં પોતાના વિવાદિત નિવેદનો માટે ખુબ ચર્ચામાં રહેતા હતા. ડિસેમ્બર 2009માં તેમણે લોકસભામાં ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ હંગામો થયો હતો. ભાજપના વિરોધ બાદ તેમણે માફી માગવી પડી હતી. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે પણ બાદમાં બેની પ્રસાદ વર્માના નિવેદન પર દુખ વ્યક્ત કર્યું હતું

(9:20 pm IST)