Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાહુલ ગાંધીએ લોકડાઉનને લઇને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા

લોકડાઉનથી ગરીબ અને મજુરો બરબાદ થઇ જશે : મોટી સંખ્યામાં ગરીબ-મજુર વર્ગના લોકોને ભોજન માટે સમસ્યાઓ નડે છે : ગંભીર ચર્ચા બાદ જ નિર્ણયની જરૂર

નવીદિલ્હી, તા. ૨૭ : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ રહેલી છે ત્યારે ગરીબો, ખેડૂતો, મજુરો માટે આર્થિક પેકેજની જાહેરાત કર્યા બાદ આની પ્રશંસા કરી ચુકેલા રાહુલ ગાંધીએ આજે લોકડાઉનના કારણે થઇ રહેલી સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ સરકારને સલાહ આપી હતી કે, કોઇપણ નિર્ણયને લાગૂ કરતા પહેલા તેના પર વિચારમા કરવામાં આવે તે જરૂરી છે. લોકડાઉનના પરિણામ સ્વરુપે ઘણા લોકોને ભોજન માટે પણ મુશ્કેલી નડી રહી છે. રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, લોકડાઉન ગરીબો અને નબળા વર્ગના લોકોને બરબાદ કરી દેશે. રાહુલે ભુખથી પરેશાન રહેલા એક મજુર બાળકના વિડિયોને પણ રજૂ કર્યા છે અને લખ્યું છે કે, લોકડાઉન અમારા ગરીબ અને નબળા વર્ગના લોકોને બરબાદ કરશે. આ અમારા એવા ભારતને ફટકો આપશે જેને અમે પસંદ કરીએ છીએ. ભારત બ્લેક એન્ડ વ્હાઇટ નથી. ભારતમાં નિર્ણયો ખુબ જ સાવચેતીપૂર્વક લેવામાં આવે તે જરૂરી છે.

           આ સંકટને હાથ ધરવા માટે વધારે સંવેદનશીલ વલણ અપનાવવાની જરૂર છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, કેટલાક લોકો ચાર ચાર દિવસથી ભુખ્યા છે. ચીજવસ્તુઓ મેળવવા માટે મુશ્કેલી નડી રહી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આ નિર્ણયનું જોરદારરીતે સમર્થન કર્યું છે. લોકડાઉનના આજે ત્રીજા દિવસે કેટલીક જગ્યાએ તકલીફ જોવા મળી હતી. મોટી સંખ્યામાં મજુરો ચાલતા જ પરિવારની સાથે સેંકડો હજારો કિલોમીટર દૂર સુધી પોતાના ગામ જવા માટે નિકળી ચુક્યા છે. તેમની ભૂખ અને બિમારીથી પરેશાન થવાની આશંકા પણ વધી ગઈ છે. આ દિશામાં પહેલ ખુબ જ જરૂરી બની છે.

(7:39 pm IST)