Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વિદેશથી આવેલા દરેક યાત્રીની તપાસ હજુય થઇ નથી : રિપોર્ટ

કોરોના સામે લડવાને લઇ રાજ્યોની લાપરવાહી : છેલ્લા બે માસમાં ૧૫ લાખથી વધુ લોકો વિદેશથી ભારત આવી ચુક્યા છે : તમામની તપાસ કરાઈ નથી : અહેવાલ

નવી દિલ્હી, તા. ૨૭ : છેલ્લા બે મહિનામાં વિદેશથી આવેલા લોકોની ઉંડી તપાસ કરવાને લઇને ઘણી લાપરવાહી રાખવામાં આવી હતી. કોવિડ-૧૯ની તપાસના મોટી લાપરવાહીના મામલા સપાટી પર આવ્યા છે. કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મુખ્ય સચિવને પત્ર લખીને કહ્યું છે કે, છેલ્લા બે મહિનામાં ૧૫ લાખ યાત્રીઓ વિદેશથી આવ્યા હતા પરંતુ આ તમામની તપાસ કરવામાં આવી નથી. કોવિડ-૧૯ની તપાસ થયેલા લોકોના રિપોર્ટ અને કુલ યાત્રીઓની સંખ્યામાં મોટું અંતર દેખાઈ આવે છે. આના કારણે ચિંતા વધી શકે છે. કોરોનાને રોકવા માટે રાજ્યોની લાપરવાહી ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે. ભારે બેદરકારી પહેલાથી જ દેખાઈ આવી છે. કારણ કે, છેલ્લા બે મહિનામાં ૧૫ લાખથી વધુ લોકો વિદેશથી ભારત આવ્યા હતા. પરત ફરનાર યાત્રીઓ અને કોરોનાગ્રસ્ત યાત્રીઓના મામલામાં અંતરની સ્થિતિ જોવા મળી રહી છે.

          વિદેશથી પરત ફરેલા તમામ યાત્રીઓની નિરીક્ષણ કામગીરીમાં અંતર અથવા કમી કોરોના વાયરસ ઇન્ફેક્શનના ફેલાવવાને રોકવાની સરકારની કોશિશોને મોટો ફટકો આપી શકે છે. કારણ કે, અન્ય દેશોથી પરત ફરેલા લોકોમાં કેટલાક કોરોનાગ્રસ્ત મળ્યા છે. રાજીવ ગોબાએ કહ્યું છે કે, બ્યુરો ઓફ ઇમિગ્રેશને ૧૮મી જાન્યુઆરી ૨૦૨૦થી ૨૩મી માર્ચ ૨૦૨૦ સુધી રિપોર્ટ રાજ્યોને આપવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી રિપોર્ટ એકત્રિત કરવામાં આવ્યા છે જેમાં વિદેશથી આવેલા લોકોની કોવિડ-૧૯ તપાસની વિગતો સામેલ છે. આ રિપોર્ટ અને ભારત આવેલા કુલ યાત્રીઓની સંખ્યામાં વ્યાપક અંતર છે. ગોબાએ કહ્યું છે કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને કહેવામાં આવ્યું છે કે, ફરી એકવાર વિદેશથી આવેલા યાત્રીઓની ઓળખ કરવામાં આવે અને તેમની ચકાસણી પણ કરવામાં આવે. સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ તમામ યાત્રીઓને ડબલ્યુએચઓના નિર્દેશો પાળવા પડશે.

આ કામમાં જિલ્લા સ્તરના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલના સમયમાં દેશમાં કોરોના અસરગ્રસ્તોની સંખ્યા ૭૩૦થી ઉપર પહોંચી ચુકી છે. ૨૦ના મોત પમ થઇ ચુક્યા છે. ભારતમાં જેટલા પણ ઇન્ફેક્શનના કેસો છે તેમાં વિદેશ યાત્રાનો ઇતિહાસ રહેલો છે. અથવા તો વિદેશ યાત્રાથી પરતફરેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. દેશમાં કોરોનાને રોકવા અભૂતપૂર્વ પગલા લેવાઈ રહ્યા છે.

(7:35 pm IST)