Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન કોરોના પોઝિટિવ : ભારે ચર્ચાઓ

પ્રિન્સ ચાર્લ્સ બાદ હવે બ્રિટિશ વડાપ્રધાન પણ સકંજામાં આવ્યા : બ્રિટનમાં કોરોનાના કેસ ૧૧૬૫૮ નોંધાયા છે : મેડિકલ એડવાઈઝના આધાર પર બ્રિટિશ વડાપ્રધાન ડાઉનિંગ સ્ટ્રીટમાં આઈસોલેશનમાં હોવાના અહેવાલ

નવી દિલ્હી, તા. ૨૭ : બ્રિટિશ વડાપ્રધાન બોરિશ જોન્સન પણ કોરોના વાયરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવતા જોરદાર ચર્ચા છેડાઈ ગઇ છે. બોરિશ જોન્સને આજે પોતે જાહેરાત કરી હતી કે, તેઓ નજીવા લક્ષણ દેખાયા બાદ કોરોના વાયરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હાલમાં તેઓ તબીબી સલાહના આધાર પર ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં સેલ્ફ આઈસોલેશન ઉપર છે. સોશિય મિડિયા ઉપર પોસ્ટ કરવામાં આવેલા વિડિયો મેજેસમાં બ્રિટિશ વડાપ્રધાને કહ્યું છે કે, જીવલેણ વાયરસનો સામનો કરવા જ્યારે બ્રિટિશ લોકો કમરકસી ચુક્યા છે ત્યારે તેઓ બ્રિટનનું નેતૃત્વ કરશે. બ્રિટનમાં આના કારણે હજુ સુધી ૫૭૮ લોકોના મોત થઇ ચુક્યા છે. બ્રિટનમાં પણ એક્ટિવ કેસોની સંખ્યા ૧૧૦૦૦ની આસપાસ છે. ૨૪ કલાક પહેલા હળવા લક્ષણો દેખાયા હતા.

          ત્યારબાદ કોરોના વાયરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ટ્વિટર પર તેઓએ આ મુજબની વાત કરી છે. વાયા વિડિયો કોન્ફરન્સથી સરકારનું નેતૃત્વ તેઓ જારી રાખશે. સાથે મળીને કોરોના વાયરસને પરાજિત કરવામાં આવશે. ઇંગ્લેન્ડની ચીફ મેડિકલ ઓફિસર કચેરીની સલાહના આધાર પર હાલમાં તેઓ આઈસોલેશનમાં છે. નેશનલ હેલ્થ સર્વિસ સ્ટાફ દ્વારા ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના પરિણામ પોઝિટિવ આવ્યા હતા. ગાઇડન્સ મુજબ હવે તેઓ સેલ્ફ આઈસોલેશનમાં છે. અમેરિકાએ શુક્રવારના દિવસે કોવિડના કેસોમાં ચીનને પાછળ છોડીને સૌથી વધુ કેસોનો આંકડો મેળવી લીધો છે. વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના કારણે હજુ સુધી ૨૪૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે કેસોનો આંકડો ૫૪૦૦૦૦ સુધી પહોંચ્યો છે. બ્રિટનમાં પણ કેસોની સંખ્યા વધી ગઇ છે. બ્રિટનમાં ગંભીરરીતે રહેલા દર્દીઓની સંખ્યા ૧૬૩ રહેલી છે.  અત્રે નોંધનીય છે કે, ખતરનાક કોરોના વાયરસના સકંજામાં દુનિયાના દેશોની સાથે સાથે બ્રિટન પણ આવી ચુક્યું છે.

            બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ માટે પોઝિટિવ આવી ચુક્યા છે. તેઓ પહેલાથી જ સ્કોટલેન્ડમાં આઈસોલેશનમાં છે જ્યારે તેમના પત્નિ કેમિલા નેગેટિવ આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ ચાર્લ્સની મુલાકાત મોનેકોના પ્રિન્સ એલ્બર્ટ સાથે થઇ હતી જે મોડેથી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ક્લેરેન્સ હાઉસના પ્રવક્તાએ કહ્યું છે કે, પ્રિન્સ ઓફ વેલ્સને કોરોના વાયરસમાટે પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. તેમની બિમારીના લક્ષણ દેખાયા હતા પરંતુ શરૂઆતમાં ધ્યાન અપાયું ન હતું. જો તેઓ હવે સ્વસ્થ છે. તેઓ હાલમાં ઘરથી જ કામ કરી રહ્યા છે. દ ચેઝ ઓફ કાર્નેવોલના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં કોરોનાના કોઇ લક્ષણ આવ્યા નથી. સરકારી અને મેડિકલ સલાહના આધાર પર પ્રિન્સ હાલમાં બાલમોરલ કાસલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બ્રિટનના મહારાણી એલિઝાબેઝ-૨ને પહેલાથી બર્મિગ્હામ પેલેસથી ખસેડી લેવામાં આવ્યા છે. તેમને વિન્ડસરમાં લઇ જવાયા છે.

બ્રિટનમાં કેસમાં વધારો

લંડન, તા. ૨૭ : બ્રિટનમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. દુનિયાના ૧૯૯ દેશોની સાથે સાથે બ્રિટન પણ કોરોના વાયરસના સકંજામાં છે. કેસોની સંખ્યા અને રિકવર થયેલા લોકોની સંખ્યા બંને વધી રહી છે. બ્રિટનમાં પણ અન્ય દેશોની જેમ સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે પરંતુ લોકડાઉનની સ્થિતિ હાલમાં રાખવામાં આવી નથી. બ્રિટનમાં સક્રિય રીતે રહેલા કેસોની સંખ્યા ૧૦૯૪૫ નોંધાઈ ગઈ છે જ્યારે ગંભીર રહેલા કેસોની સંખ્યા ૧૬૩ છે. બ્રિટનમાં કોરોના વાયરસની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર નીચે મુજબ રહેલું છે.

કુલ કેસો

૧૧૬૫૮

કુલ મોતનો આંકડો

૫૭૮

રિકવર થયેલા લોકો

૧૩૫

એક્ટિવ કેસો

૧૦૯૪૫

ગંભીર દર્દીઓની સંખ્યા

૧૬૩

(10:15 pm IST)