Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો ૨૬ લાખનો ખાવાનો સામાન

મહિલા સ્ટોરમાં પ્રવેશીને બેકરી અને અન્ય ખાદ્ય પદાર્થો પર છીંક ખાવા લાગી, પોલીસે કરી ધરપકડ

ન્યૂયોર્ક, તા.૨૭: કોરોના વાયરસનો ડર સમગ્ર દુનિયામાં છવાયેલો છે. ખાસ કરીને અમેરિકામાં તો સ્થિતિ દરરોજ વધુને વધુ બગડતી જઈ રહી છે. અહીં મૃતકોનો આંકડો પહેલા જ એક હજારથી પાર થઈ ગયો છે. આ દરમિયાન પેન્સિલવાનિયાથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કરિયાણાના સ્ટોરમાં ૩૫ હજાર ડોલર એટલે કે લગભગ ૨૬ લાખ રૂપિયાનું ખાવાનું ફેંકી દેવામાં આવ્યું. તેની પાછળનું કારણ હતું એક મહિલાની છીંક.

કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ દુકાનમાં ખાવાના સામાનવાળા હિસ્સા પર છીંક ખાધી હતી. જેથી દુકાનદારે તમામ સામાન ફેંકી દીધો. CNNના અહેવાલ મુજબ, દુકાનદારને એ વાતનો ડર હતો કે કયાંક આ મહિલા કોરોના વાયરસની પોઝિટિવ તો નથી ને!

દુકાનદાર મુજબ, આ મહિલાએ સ્ટોરમાં ઘૂસતાં જ છીંક ખાવાનું શરૂ કરી દીધું હતું. તેણે સ્ટોરમાં સામે રાખેલી બેકરીના સામાન અને મીટ પર છીંકવાનું શરૂ કરી દીધું. તાત્કાલિક સ્ટોર માલિકે તમામ સામાન ફેંકી દીધો. પોલીસને બોલાવવામાં આવી અને તે મહિલાને કસ્ટડીમાં લઈ લેવામાં આવી.

પોલીસના જણાવ્યા મુજબ, તે મહિલાએ જાણી-જોઈને આવું કર્યું હતું. હવે આ મહિલા પર અપરાધિક કેસ ચલાવવામાં આવશે. પ્રારંભિક રિપોર્ટ મુજબ, તે મહિલા કોરોના વાયરસની પોઝિટિવ નથી. પરંતુ પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં તેના ટેસ્ટ કરાવવામાં આવશે.

(4:22 pm IST)