Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જાણીતા પેઇન્ટર અને શિલ્પી સતીષ ગુજરાલનું ૯૪ વર્ષની વયે દુઃખદ અવસાન

નવી દિલ્હીઃ ભારતના મશહુર પેઇન્ટર, શિલ્પી અને બહુમુખી પ્રતિભા ધરાવતા સતીષ ગુજરાલનું ૯૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન આઇકે ગુજરાલના નાનાભાઇ હતા.

સતીષ ગુજરાલનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૫ના રોજ ઝેલમ (હાલ પાકિસ્તાન)માં થયેલ. ૮ વર્ષની ઉમરે લપસી જવાથી તેમનો  પગ ભાંગી ગયેલ અને માથામાં ઇજા થવાથી સાંભળવાની શકિત પણ ઓછી થઇ ગયેલ. કાનમાં ઓછુ સંભળાતુ હોવાથી કોઇ સ્કુલ તેમને એડમીશન આપતી ન હતી. તેવામાં તેમણે એક દિવસ પક્ષીઓને વૃક્ષો પર સુતા જોઇ તેની પેઇન્ટીંગ બનાવી. ત્યારબાદ તેમણે ૧૯૩૩૯માં લાહોરની આર્ટ સ્કુલમાં એડમીશન લીધુ અને ૧૯૪૪માં મુંબઇ આવી ગયેલ.

જયાં તેમણે જે જે સ્કુલ ઓફ આર્ટમાં એડમીશન લીધુ. બિમારીના કારણે ૧૯૪૭માં તેમણે ભણવાનું છોડી દેવુ પડેલ. નવરાશના સમયે તેમણે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. જીવનના સંઘર્ષોમાં હાર માન્યા વિના તેઓ સતત આગળ વધતા ગયા. સતીષ ગુજરાલને કલા ક્ષેત્રે તેમના પ્રદાન બદલ ૧૯૯૯માં પદ્મ વિભૂષણથી સન્માનીત કરાયા હતા.

(3:34 pm IST)