Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઓહોહો... કન્ટેનરમાંથી એક પછી એક ૩૦૦ મજૂરો નિકળ્યા

જીવનજરૂરી ચીજવસ્તુઓની ગાડીમાં આ મજૂરો તેલંગાણાથી રાજસ્થાન જઈ રહ્યા હતાઃ કન્ટેનર ચેક કરતાં ઉપરાઉપરી મજૂરો નિકળતા પોલીસ પણ ચોકી ઉઠીઃ ડ્રાઈવર વિરૂધ્ધ કાર્યવાહી

મુંબઈઃ ગુરૂવારે મહારાષ્ટ્ર પોલીસએ સમયે ચોંકી ઉઠી હતી જયારે તેણે તેલંગાણા થી રાજસ્થાન જીવનજરૂરી વસ્તુઓ લઈને જતા બે ટ્રકને અટકાવ્યા હતા. પોલીસે  બંને ટ્રક રોકીને તપાસ કરી તો અંદરથી ૩૦૦ જેટલા મજૂરો નીકળ્યા હતા. આ તમામ કામદારો રાજસ્થાનના હતા. તેઓએ ઘરે પરત જવા માટે આ ખતરનાક રસ્તો અપનાવ્યો હતો. આથી તમામ લોકો બે કેન્ટેનરમાં છૂપાઈને જઈ રહ્યા હતા.નોંધનીય છે કે દેશભરમાંથી એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સરકાર તરફથી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં રોજમદારો અને રોજીરોટી માટે અન્ય રાજય કે શહેરમાં ગયેલા લોકો પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે.

આ માટે તેઓ ૫૦૦ કિલોમીટર પર ચાલતા જઈ રહ્યા છે. આ ઉપરાંત જીવને જોખમમાં મૂકીને પણ મુસાફરી કરતા ખચકાતા નથી.

પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ તેલંગાણામાંથી આવતા બે ટ્રકને રોકયા હતા. યવતમાલ જિલ્લાની સરહદ ખાતે તપાસ માટે આ બંને ટ્રકને રોકવામાં આવ્યા હતા.આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રકને રોકવામાં આવ્યા તે પહેલા એક ટોલ બૂથ પર હાજર અધિકારીઓએ કંઈક શંકા પડી હતી. કારણ કે ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં શું વસ્તુ ભરી છે તે અંગે સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. જે બાદમાં બંને ટ્રકને રોકીને તપાસ કરતા અંદરથી ૩૦૦ જેટલા મજૂરો મળી આવ્યા હતા.

અંદર રહેલા મજૂરોમાંથી અમુક લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વતન રાજસ્થાન પરત જવા માંગે છે. લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ કન્ટેનરની અંદર બેસીને જવાનું પસંદ કર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ મામલે ટ્રકના બંને ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ નિઃસહાય બનેલા  મજૂરો સામે શું કાર્યવાહી કરવી તે અંગે  પોલીસ પણ મૂંઝવણમાં છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાનું જીવન ટકાવી શકે તે માટે ઘરે પરત જવા માંગે છે. આ અંગે અમે બહુ ઝડપથી કોઈ નિર્ણય લેવા જણાવ્યું હતું.

(3:32 pm IST)