Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગુજરાતમાં છેલ્લા ૧૬ કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ નહિ

બપોરે ૨ વાગ્યા સુધીની સ્થિતિ રાહતરૂપ : હાલ ૪૪ કેસ યથાવત : નવા સેમ્પલના રીપોર્ટ સાંજે જાહેર થશે : ૫૭૫ લોકો સરકારીમાં અને ૧૯૩૭૭ લોકો હોમ કવોરેન્ટાઇનમાં : રાજ્યમાં ૩ાા કરોડ લોકોના આરોગ્યનો સર્વે કરાયો

ગાંધીનગર, તા.૨૭: છેલ્લા ૧૨ કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે ૧૧ વ્યકિતઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિએ આજે સવારે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યકિતઓના કમનસીબ મૃત્યુ નિપજયાં છે એ ત્રણેય દર્દીઓ કો-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા દ્યરોમાં વૃદ્ઘો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો કવોરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

ડો. શ્રીમતી જયંતી રવિ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના ૪૪ પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં ૧૫, સુરતમાં ૭, રાજકોટમાં ૫, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ૪૪ પોઝિટિવ દર્દીઓ પૈકી ના ૩૬ દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જયારે અન્ય ૧૮ દર્દીઓ પૈકીના ૧૬ દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજય મુસાફરી કરી હતી. આ વ્યકિતઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે કવોરેન્ટાઈન વ્યકિતઓને ૧૪ દિવસના કવોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર ચુસ્તપણે કવોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં ૨૦,૧૦૩ લોકોને ૧૪ દિવસના કવોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના ૫૭૫ લોકો સરકારી કવોરેન્ટાઈનમાં અને ૧૯,૩૭૭ લોકો હોમ કવોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હોમ કવોરેન્ટાઈનનો ભંગ કરે છે એવા ૨૩૬ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

ડો. શ્રીમતી જયંતી રવિ એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ કરોડ, ૫૦ લાખ, ૬૯, ૯૨૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, ૩૭,૮૮૫ વ્યકિતઓએ આંતરરાજય પ્રવાસો કર્યા છે, અને ૮,૨૬૫ જેટલી વ્યકિતઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૮ જેટલી વ્યકિતઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોકટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

સવારે ૧૦ વાગ્યે પત્રકાર પરિષદમાં છેલ્લા ૧૨ કલાકની ઉપરોકત વિગતો જાહેર કરાયા બાદ બપોરે ૨ વાગ્યા સુધીમાં છેલ્લી ૧૬ કલાકમાં કોરોનાનો નવો એકેય કેસ જાહેર થયો નથીે.૪૪ કેસ યથાવત છે. નવા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા છે તેનો રીપોર્ટ બપોરે પછી જાહેર થશે.

(3:22 pm IST)