Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરિકામાં ૩૨ લાખ બેકારોએ કોરોના ભથ્થાં માટે અરજી કરી!

વોશિંગ્ટન : ચીનથી શરૂ થયેલા કોરાનાવાઈરસે હવે યુરોપમાં ડેરો જમાવ્યો છે. યુરોપમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે કેસ નોંધાયા છે અને તમામ યુરોપિયન દેશો વાઈરસની લપેટમાં આવી ગયા છે. યુરોપમાં સૌથી વિપરિત અસર ઈટાલી, સ્પેન, જર્મની, ફ્રાન્સમાં થઈ રહી છે. ઇટાલીમાં ૭૫ હજાર જયારે સ્પેનમાં ૫૬ હજાર કેસ નોંધાયા છે. એશિયામાં કેસની સંખ્યા ૧ લાખ ઉપર નોંધાઈ છે. વૈશ્વિક મૃત્યુઆંક ૨૨ હજાર ઉપર પહોંચી ગયો છે, જયારે વિશ્વમાં કુલ કેસ ૪.૯૦ લાખથી વધારે થયા છે. સાજા થયેલા દરદીની સંખ્યા પણ ૧.૧૮ લાખથી વધારે છે.

અમેરિકાએ કોરોનાથી અર્થતંત્રને બચાવવા માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેની સામે મદદ મેળવવા માટે ૩૨ લાખ અરજી મળી છે. અમેરિકામાં ૩૨ લાખ લોકોએ પોતે બેકાર હોવાથી સહાય મળવી જોઈએ એવી અરજી કરી છે. અમેરિકા જેવા સક્ષમ અને જગતનુ અગ્રણી અર્થતંત્ર ધરાવતા દેશ માટે આ આંકડો ચિંતાજનક છે. તેનાથી અમેરિકાના અર્થતંત્ર પર વિપરિત અસર થશે એવુ નિષ્ણાતો માને છે. દરમિયાન ટ્રમ્પે કહ્યું હતુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળાની અવગણના કરી છે. ચીન પ્રત્યે નરમ વલણ રાખ્યું એટલે રોગચાળો ત્યાંથી બધે ફેલાયો એવો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું હતુ કે એક વખત સ્થિતિ થાળે પડી પછી ઓર્ગેનાઈઝેશનને કેટલી મદદ કરવી એ વિચાર કરવો પડશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતુ કે યુરોપમાં મોટી સંખ્યામાં કેસ છે, પરંતુ હવે ફેલાવાનો દર ધીમો પડયો છે. એ રાહતના સમાચાર છે. જોકે સ્પેનમાં મૃત્યુઆંક ચાર હજાર ઉપર પહોંચ્યો છે. માટે સ્પેનિશ સરકારે ૧૯૩૯માં ખતમ થયેલા સિવિલ વોર પછીની સૌથી મોટી આફત ગણાવી હતી.

 બ્રિટનના ગૃહ મંત્રી પ્રિતી પટેલે જણાવ્યુ હતુ કે ભારતની માફક પગલાં લેવાનો અમે વિચાર કરી રહ્યાં છીએ. કોરોનાએ બ્રિટનને પણ ધમરોળ્યું છે અને રાજવી પરિવાર સહિતના સેલિબ્રિટી ચેપગ્રસ્ત બન્યા છે. એ સમયે ગુજરાતી મૂળના પ્રિતી પટેલને ભારતનો સરહદ બંધીનો આઈડિયા પસંદ આવ્યો છે. ભારતે દેશી અને પરદેશી તમામ ફ્લાઈટ પર બ્રેક મારી દીધી છે. બ્રિટન પણ આગામી દિવસોમાં સંપૂર્ણપણે ફ્લાઈટ બંધ કરે એવી શકયતા છે.

 સિંગાપોર સરકારે કોરોના સામે લડવા માટે ૩૩.૧૭ અબજ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ ઉદ્યોગો અને કામદારોને મદદ કરવા માટે થશે. આ પહેલા પણ બજેટ વખતે સિંગાપોર સરકારે કોરોના સામે લડવા ૪.૪ અબજ ડોલરની જાહેરાત કરી હતી. ચીનની પડોશમાં આવેલો હોવાથી સિંગાપોર બહુ પહેલેથી કોરોનાની લપેટમાં આવ્યો હતો.

દ.કોરિયામાં ૯૭ વર્ષના દર્દી સાજા થયા

કોરોના મોટી ઉંમરના વ્યકિતને વધુ અસર કરે છે. સાથે સાથે મજબૂત ઈચ્છા શકિત અને યોગ્ય સારવાર મળે તો ગમે તે ઉંમરે સાજા થઈ શકાય છે. દક્ષિણ કોરિયામાં ૯૭ વર્ષના એક દાદા કોરોનામાંથી સાજા થયા છે. બે અઠવાડિયાની સારવાર પછી એ દાદાને કોરોનામુકત જાહેર કરી દવાખાનેથી રજા અપાઈ હતી.

કોરોનાઃ કેસ, મૃત્યુ અને રિકવર

(1:15 pm IST)