Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરિકાના ભારતીય હોટલધારકોએ ભારતીય છાત્રો માટે દરવાજા ખોલી નાખ્યાઃ ભોજનની પણ વ્યવસ્થા

હોસ્ટેલ બંધ અને ફલાઈટો રદ્દ થતા ૨.૫ લાખ વિદ્યાર્થીઓ ફસાયા

વોશીંગ્ટનઃ કોરોનાના કારણે અમેરિકામાં હોસ્ટેલ બંધ થતા અને ભારતે આંતરરાષ્ટ્રીય ફલાઈટો રદ્દ કરતા ૨.૫ લાખ ભારતીય છાત્રો ફસાઈ ગયા છે. એવામાં ભારતીય મૂળના હોટલ માલીકો છાત્રોની વહારે આવ્યા છે. શિકાગોમાં ભારતીય સમુદાયના અગ્રણી નિરવ પટેલે કહ્યુ કે, ઘણા હોટલ માલીકોએ તેમને મફતમાં રૂમ આપવાની રજુઆત કરી છે. તેમાથી ઘણા વિદ્યાર્થીઓને ભોજન પણ આપી રહ્યા છે.

હોટલોવતી પ્રેમ ભંડારીએ જણાવેલ કે ન્યુયોર્કમાં ભારતીય વાણીજય દુતાવાસે આ સંબંધમાં ૧૦ દિવસ પહેલા સંપર્ક કરેલ. તેમના મુજબ આ છાત્રો ભારત અને અમેરિકા બન્નેનું ભવિષ્ય છે. આ અમારૂ નૈતિક કર્તવ્ય  છે કે હાજર સંસાધનોથી તેમની મદદ કરવી.

ભારતીય દુતાવાસની અપીલ બાદ બુધવાર સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓને લગભગ ૭૦૦ હોટલોના ૬ હજારથી વધુ રૂમોમાં રાખવાની રજુઆતો આવી છે. ભારતીય રાજદુત તરનજીતસિંહ સંધુએ ટ્વીટ કરી જણાવેલ કે આ જોઈ ખુશી થઈ રહી છે કે ભારતીય, ભારતીય અમેરિકી અને અન્ય હોટલ માલીકો સંકટના સમયે મદદ માટે આગળ આવ્યા છે. એક સાથે મળીને આપણે કોવીડ- ૧૯ વિરૂધ્ધ લડાઈ જીતી શકીશું.

હોટલ સંચાલક ભારતીય અમેરિકી દંપતી કેકે મહેતા અને ચંદ્રા મહેતાએ ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કેવર અને બાર્કલેઝ સેન્ટર નજીક સ્થિત પોતાની બે મુખ્ય હોટલોમાં ભારતીય છાત્રોને ૧૦૦થી વધુ રૂમો આપવાની જાહેરાત કરી છે. એશીયન અમેરિકન સ્ટોર ઓનર્સ એસોસીએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિપુલ પટેલે જણાવેલ કે ભારતીય છાત્રોને ભારતના હોટલ માલીકોનું ભરપુર સમર્થન મળી રહ્યું છે. એકપણ એવો હોટલ માલીક નથી મળ્યો જેણે અમને ના પાડી હોય.

(1:13 pm IST)