Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામેના જંગમાં આગામી ૧૦ દિવસ મહત્વના

ભારતમાં સંક્રમિતોનો વૃધ્ધિ દર વૈશ્વિક સરેરાશથી ઓછો સંકેત સારા છે પણ બેપરવાઇ બની શકે ઘાતક

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના સામેના જંગમાં આગામી દસ દિવસ અત્યંત મહત્વપૂર્ણ બનવાના છે. ડેટા એનાલીસીસ ફર્મ સીપીસી એનાલીટીકસે પોતાના તાજેતરનું વિશ્લેષણના આધારે આ દાવો કર્યો છે.

ફર્મના સહ સંસ્થાપક સાહિલ દેવે કહ્યું, દુનિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા રોજના ૩૩ ટકાના દરે વધી રહી છે. ભારતમાં વૃધ્ધિ દર વૈશ્વિક સરેરાશથી ઓછો છે જે સારા સંકેત છે. જો કે થોડીક બેદરકારીના ઘાતક પરિણામો આવી શકે છે. દેવ અનુસાર, આગામી દસ દિવસ બહુ મહત્વપૂર્ણ છે. આ દસ દિવસોમાં ખબર પડશે કે ભારતમાં સંક્રમણ કેટલી હદે ફેલાયું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકડાઉન અંગે યોગ્ય સમયે નિર્ણય કર્યો છે. હવે કોરોનાને હરાવવાની સરકારી કવાયતોને સફળ બનાવવાનો સંપૂર્ણ દારોમદાર પ્રજા પર છે.

દેવ કહે છે કોરોનાની તપાસ અંગે સરકારની રણનીતિ બીલકુલ બરાબર છે. સરકાર યુધ્ધના ધોરણે તપાસ કરીને ખળભળાટ મચાવવાના બદલે સામાજીક સ્તરે લોકોને સંક્રમણથી ઉભી થયેલ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો સમય આપતા ટેસ્ટ સહિતની ચિકિત્સા સેવાઓની ઉપલબ્ધતા વધારી રહી છે. તેનાથી લોકો પણ લોકડાઉન જેવા ઉપાયોને સફળ બનાવવામાં સહયોગ આપવા પ્રેરિત થઇ રહ્યા છે.

(1:12 pm IST)