Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જબલપુરમાં કોરોનાના દર્દીનો વિડીયો દ્વારા સંદેશઃ ગભરાશો નહીઃ ડોકટરોનું સન્માન કરો

ઉપનિષદે બે મીનીટના મેસેજમાં ખુદને આઈસોલેટ કરવા જણાવ્યુઃ મોટા ભાગના લોકો સાજા થઈ જાય છે

જબલપુરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં ૫ લાખ કેસ આવી ગયા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા ઉપનિષદ શર્મા જયારે જર્મનીથી પરત આવ્યા ત્યારે શરદી, ખાંસી અને તાવ  આવ્યો. તપાસમાં પોઝિટિવ જણાયા. એટલે પોતાને ૩ દિવસ સુધી આઈસોલેટ કર્યા અને સમજદારી દર્શાવીને અનેક લોકોને ચેપી થતાં બચાવ્યા. હોસ્પિટલમાં દાખલ ઉપનિષદે વીડિયો સંદેશો આપીને લોકોને આ ખતરનાક વાયરસથી બચવા માટે ભાવુક અપીલ કરી છે.

તેમણે અપીલમાં જણાવેલ કે હું ૧૬ માર્ચે જર્મનીથી દિલ્હી આવ્યો. ત્યાર પછી જલપુર ઘરે આવ્યો. સરકારના નિર્દેશ મુજબ હું ૩ દિવસ હોમ આઈસોલેટ રહ્યો. ત્યારપછી મને તાવ આવ્યો મેં તરત ડોકટરને જાણ કરી. તેમણે ઘરે આવી તપાસી મને વિકટોરિયા હોસ્પિટલમાં દાખલ કર્યો. અહીં તપાસ પછી ૨૦ માર્ચે કોરોના પોઝિટિવ જાહેર કરાયો. ત્યારથી હું જબલપુર મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યો છું. અનેક પ્રકારની તકલીફ સહન કરી રહ્યો છું. આ બિમારી અંગે તમને એટલા માટે જાગૃત કરી રહ્યો છું કે જેથી તમે પણ સુરક્ષિત અને સ્વસ્થ રહી શકો. આ બિમારીથી બિલકુલ ડરવાની જરૂર નથી. મોટભાગના લોકો ઠીક થઈ જાય છે. તમને ખાંસી અને શરદી રહેશે. દવા લેશો તો સારૃં થઈ જશે. હું જયારે તમને આ વાત કરી રહ્યો છું. ત્યારે પણ મને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી છે. હું તમને કહેવા માગું છું કે તમે વિદેશથી આવ્યા હોવ તો તમારા પરિવારથી અંતર રાખો. તમારા હાથ વારંવાર ધોતા રહો. ચહેરાને ઢાંકીને રાખો અને સારૃં ભોજન લો. ખૂબ આરામ કરો, વધુ શરદી ખાંસી હોય તો બિલકુલ બહાર નીકળશો નહીં. મારી તમને અપીલ છે કે, મારા જેવા લોકોનો જીવ બચાવનાર ડોકટરો- મેડીકલ સ્ટાફને પુરૂ સન્માન આપો. તેમને હેરાન કરશો નહીં. હોસ્પિટલમાં મારા જેવા અનેક દર્દી છે. વાયરસના ચેપના લક્ષણ સરેરાશ પાંચ દિવસ પછી જણાય છે. મને ત્રણ દિવસમાં જ ખબર પડી ગઈ હતી. આથી હું સુરક્ષિત રીતે હોસ્પિટલમાં આવી ગયો. તમે સૌ આરોગ્યપ્રદ રહો તેવી ઈશ્વરને મારી પ્રાર્થના છે.

(11:33 am IST)