Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કેન્દ્રએ જાહેર કરેલુ પેકેજ અપુરતુ હોવાનો નિષ્ણાંતોનો મત

૩૦ ટકાથી વધુ વસ્તીને ડીજીપીના ૧ ટકાથી પણ ઓછી રકમ આપવામાં આવી છેઃ રીક્ષાચાલકો, ધોબી, વાણંદ સહિતના અસંગઠીત ક્ષેત્ર માટે શું ? ઉઠતા સવાલોઃ જે લોકો કામ ધંધા છોડી વતન ચાલ્યા ગયા છે તેમનું શું ?: મનરેગાના કામદારો માટે માત્ર ૨૦ રૂ.ની વૃદ્ધિ અપુરતી છેઃ ઓછામાં ઓછા ૧૫ દિવસની રકમ એક સાથે આપવાની જરૂર હતી

નવી દિલ્હી, તા. ૨૭ :. કેન્દ્ર સરકારે કોરોના વાયરસની લડાઈ વચ્ચે દેશ માટે આર્થિક પેકેજનું એલાન કર્યુ છે. નાણામંત્રી સિતારામને ૧.૭૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. જેમાં નબળા વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. ખાસ કરીને ખેડૂતો, મહિલાઓ, વડીલો, વિધવાઓ અને દિવ્યાંગોનું. જો કે આટલા મોટા વર્ગ (વસ્તીના ૩૦ ટકા વધુ) માટે પણ સરકારનું રાહત પેકેજ ભારતના જીડીપીના માત્ર ૧ ટકા જ છે.  આર્થિક પેકેજમાં ચિંતાની વાત માત્ર તેનો આકાર નહિ પણ એ પણ છે કે અસંગઠીત ક્ષેત્રના કર્મચારી જેમને લોકડાઉનને કારણે પોતાની નોકરી અને પગાર ગુમાવવાનો વારો આવ્યો છે અને તે પણ એવા સમયે કે જ્યારે આ વર્ગ પર સ્વાસ્થ્ય સેવાઓની અછતનો સૌથી વધુ ખતરો છે. આ હિસાબથી કેન્દ્ર સરકારનું પેકેજ કેરળના રાહત પેકેજથી પણ મોડુ આવ્યુ છે. કેરળે ૨૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ હતુ. તે પછી યુપી, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, તેલંગણાએ પેકેજ જાહેર કર્યુ હતું.

આ આર્થિક પેકેજમા હજુ એ બાબત સ્પષ્ટ નથી કે સરકારે અસંગઠીત ક્ષેત્રના કર્મચારી માટે કઈ યોજના જાહેર કરી છે. એટલે કે ધોબી, રીક્ષાવાળા, વાળંદ અને ગ્રામીણ કામદારો માટે કે જેઓ રાજ્ય સરકાર સાથે રજીસ્ટર્ડ નથી હોતા. આ સિવાય નિર્માણ કાર્યો સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે કે નહિ ? તે નક્કી નથી. એક દાયકા પહેલા આવા કર્મચારીઓ ૪૭.૪૧ કરોડ હતા. નિષ્ણાતોનું કહેવુ છે કે સરકાર એવા કામદારોને કેવી રીતે શોધી શકશે જેઓ કામ છોડી પોતાના ઘર તરફ નિકળી ગયા છે.

સરકારે ખેડૂતો માટે ૧૭૩૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ તેઓને આપવાની વાત જણાવી છે. ૨૦૨૦-૨૧માં સરકારે કિસાન યોજના માટે આટલી જ રકમ નક્કી કરી હતી. જે હેઠળ ખેડૂતને વર્ષમાં ૩ હપ્તા થકી ૬૦૦૦ મળવાના હતા જે હવે આ રકમ ખેડૂતોને એક સાથે આપવા જણાવાયુ છે.

આ સિવાય મનરેગાના કર્મચારીઓના વેતનમાં ૨૦ રૂ.નો વધારો બહુ મોટી વસ્તુ નથી. અનેક મનરેગા કર્મચારીઓ હાલ કામ વગર બેઠા છે કારણ લોકડાઉન છે. સરકારે તેઓને ડીબીટી હેઠળ ફાયદો પહોંચાડવાની જરૂર હતી. મનરેગા યોજનામાં સામાન્ય રીતે ગરીબથી ગરીબ વ્યકિત જોડાય છે તેવામાં ૩ સપ્તાહ સુધી કામ ન મળવાની સ્થિતિમાં સરકારે તેમને ઓછામાં ઓછા ૧૫ દિવસની રકમ આપવી જોઈતી હતી. આ રકમ લગભગ પ્રતિ કર્મચારી રૂ. ૩૦૦૦ થાત. કુલ ૧૩.૬૫ કરોડના જોબકાર્ડના હિસાબથી જો સરકાર એક ખાતામાં રૂ. ૩૦૦૦ આપે તો તેને ખર્ચ રૂ. ૪૧૦૦૦ કરોડથી વધુ ન થાત.

(11:30 am IST)