Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગરમીથી કોરોના ભાગવાનો હતોઃ હવામાને પથારી ફેરવી દીધી

ભારતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ત્યાં જ હવામાનમાં આવ્યો પલ્ટોઃ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ અને કરા પડયાઃ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જ્યાં ગરમી હોય ત્યાં કોરોના ભાગે છે પણ હવે કોરોના વધુ કહેર વર્તાવે તેવી શકયતાઃ હવામાન ખાતાના કહેવા મુજબ હજુ બે સપ્તાહ લાગશે ગરમી માટે

નવી દિલ્હી, તા. ૨૭ :. કેટલાક અભ્યાસમાંથી જાણવા મળ્યુ છે કે કાળઝાળ ગરમીથી કોરોના વાયરસનંુ સંક્રમણ ધીમુ પડે છે. ગરમી માટે લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે પરંતુ લોકોની પ્રાર્થના ઉપર હવામાને પથારી ફેરવી છે.

દેશના અનેક ભાગોમાં વરસાદ પડયો છે અને બરફ પડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વાદળછાયુ રહ્યુ છે જેના કારણે ગરમી પડી શકતી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગરમીની શરૂઆતની સંભાવના હજુ ઓછી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ભારતના મોટા ભાગના વિસ્તારમાં આવતા બે સપ્તાહમાં તાપમાન સામાન્યથી ઓછુ રહેવાની શકયતા છે. આવતા ૨૮ દિવસના પૂર્વાનુમાનથી જણાય છે કે એપ્રિલના બીજા સપ્તાહ સુધી મધ્ય ભારતમાં પણ પારો ૪૦ ડીગ્રી સુધી પહોંચવાની સંભાવના ઓછી છે.

અત્રે નોંધનીય છે કે ઉત્તરની સરખામણીમાં દક્ષિણ અને મધ્ય ભારતમાં ગરમી પહેલા આવે છે કે કારણ કે આ ક્ષેત્ર ભૂમધ્ય રેખાની નજીક છે.

હવામાન ખાતાના વડા મહાપાત્રના જણાવ્યા પ્રમાણે ઉત્તર અને મધ્ય ભારતના અનેક ભાગમાં આવતા બે ત્રણ દિવસમાં પશ્ચિમી હવાઓની સાથે વરસાદ પડવાની સંભાવના છે. એટલુ જ નહિ આવતા સપ્તાહે પણ ઉત્તર ભારતમાં વરસાદ પડવાની શકયતા છે.

હાલમાં જ વૈજ્ઞાનિકોએ એવુ કહ્યુ હતુ કે જ્યાં હવામાન ગરમ હોય ત્યાં કોરોનાનો ઉપાડો ઓછો જોવા મળે છે. ભારતમાં માંડ ગરમી જામી હતી ત્યાં હવામાન બગડતા કોરોના હળવો પડશે તેવી આશા પર પાણી ફરી વળ્યુ છે. ઠેર ઠેર માવઠા થયાના સમાચાર છે. દિલ્હી અને એનસીઆરમાં પણ વરસાદ પડયો છે. અમદાવાદમાં પણ વરસાદ પડયો હતો. માવઠાના કારણે ઉભા પાકને નુકશાન થયુ છે. હરીયાણા, પંજાબ, રાજસ્થાન, મ.પ્રદેશ અને યુપીમા ભારે વરસાદ સાથે બરફ પડવાની શકયતા છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમપાત ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં આજે બરફ પડવાની શકયતા છે.

(11:25 am IST)