Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોન હપ્તા ભરવામાં ૩ માસની મુકિત

વ્યાજદરમાં ઘટાડોઃ લોન સસ્તી થશેઃ EMI ઘટશે

રેપો રેટમાં ૭૫ બેઝીઝ પોઈન્ટનો ઘટાડોઃ રેપો રેટ ૫.૧૫ ટકાથી ઘટી ૪.૪૫ ટકાઃ રીવર્સ રેપો રેટ પણ ૦.૯૦ ટકાનો ઘટાડોઃ હવે તે ૪.૯૦ ટકાથી ઘટી ૪ ટકા થયો : વ્યાજ દર ઘટતા હોમ, કાર સહિતની લોન સસ્તી થશેઃ માસિક હપ્તામાં પણ ઘટાડો થશેઃ સીઆરઆરમાં પણ ૧૦૦ બેઝીઝ પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૭ : કોરોનાના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહેલી ભારતીય અર્થ વ્યવસ્થામાં લોન લઇને મકાન ખરીદનાર, કાર ખરીદનાર, પર્સનલ લોન લેનાર કે અન્ય લોન લેનારને ૩ મહિના સુધી ઇએમઆઇ ચૂકવવાથી રાહત મળી છે. જો કે ક્રેડીટ કાર્ડથી ખરીદનારાને કોઇ રાહત નથી મળી. રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાંત દાસે આજે અનેક મોટા એલાનોમાં ટર્મ લોન લેનાર બધા ગ્રાહકોને ૩ મહિના સુધી હપ્તા નહીં ભરવા પડે તેવું જણાવ્યું હતું. આ લાભ સરકારી તથા ખાનગી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો કે કોઇ હાઉસિંગ ફાયનાન્સ કંપનીમાંથી ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકોને મળશે. હપ્તા ટળ્યા છે પણ માફ નથી થયા.

લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. જે હેઠળ રીઝર્વ બેન્કે અપેક્ષા મુજબ રેપો રેટમાં ૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટડા બાદ રેપો રેટ ૫.૧૫ ટકાથી ૪.૪૫ ટકા થઈ ગયો છે. રેપો રેટનો આ ઘટાડો રીઝર્વ બેન્કના ઈતિહાસમા સૌથી મોટો છે. રીઝર્વ બેન્કે રીવર્સ રેપો રેટમાં પણ ૯૦ બેઝીઝ પોઈન્ટનો ઘટાડો કરી ૪ ટકા કરી દીધેલ છે. રેપો રેટના ઘટાડાનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત અનેક પ્રકારના ઈએમઆઈ ભરવાવાળા લોકોને મળશે.

રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યુ છે કે કોરોનાના કારણે વિશ્વભરના અર્થતંત્રને અસર થઈ છે. કુલ કેટલી અસર થઈ ? તે હજુ કહી શકાય નહી પરંતુ ક્રૂડના ભાવ ઘટતા થોડી રાહત મળશે.

તેમણે કહ્યુ હતુ કે સીઆરઆરમાં પણ ૧૦૦ બેઝીઝ પોઈન્ટનો ઘટાડો કરી ૩ ટકા કરવામાં આવેલ છે.

સાથોસાથ ૩ મહિના સુધી ઈએમઆઈ આપવામાંથી રાહતનું એલાન થયુ છે. બધી બેંકોને સલાહ આપી છે કે તેઓ ગ્રાહકોને ૩ મહિના માટે ઈએમઆઈ લેવાનું ટાળી દયે.

(3:21 pm IST)