Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જસ્ટીસ ડીપાર્ટમેન્ટના અધીકારીઓએ એફોર્ડેબલ કેરએકટ અથવા ઓબામા કેર એકટને સંપૂર્ણપણે નાબુદ કરવા ન્યુ ઓર્લીયન્સની ડીસ્ટ્રીકટ અપીલ્સ કોર્ટના નામદાર ન્યાયાધીશની અદાલતમાં દાદ માંગવામાં આવીઃ ઓબામા કેર એકટ અંગે હાઉસમાં છેવટ સુધી લડી લેવા માટે હાઉસના સ્પીકર નેન્સી પલોસીનો રણટંકારઃ પ્રજાના હિતાર્થે ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના સભ્યો એક રાગીતાથી કાર્ય કરશેઃ ન્યાયની અદાલતમાં આ સમગ્ર પ્રકરણ અંગે હવે આરપારની લડાઇ ખેલાશે

(અમારા પ્રતિનિધિ કપીલા શાહ દ્વારા) શિકાગો : અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જસ્ટીસ ડીપાર્ટમેન્ટના અધીકારીઓએ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ અફોર્ડેબલ કેર એકટ કે જે સમગ્ર અમેરીકામાં ઓબામા કેર એકટના હૂલામણા નામથી ઓળખાય છે અને તેનો અમલ પણ તેમણે શરૂ કર્યો હતો તે સમગ્ર કાયદો અયોગ્ય છે માટે તેનો અમલ સંપૂર્ણપણે રદ્દ થવો જોઇએ એવી માંગણી તેમણે ન્યાયની અદાલત સમક્ષ રજુ કરેલ છે. અને આ સમાચારો સમગ્ર અમેરીકામાં પ્રસરી જતા આ કાયદાઓનો લાભ લેનારાઓમાં ચીંતાની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે. જસ્ટીસ ડીપાર્ટમેન્ટના આ ઓબામા કેર એકટ મૂળભૂત રીતે આયોગ્ય છે માટે તેને સંપૂર્ણપણે રદ્દ કરવા માટે દાદ ગુજારવામાં આવેલ છે.

ગયા સોમવારે ન્યુ ઓર્લીયન્સમાં આવેલ યુએસ કોર્ટ ઓફ અપીલ્સની પાંચમી સર્કીટ કોર્ટના નામદાર ન્યાયાધીશની અદાલતમાં આ અરજીમાં જણાવવામાં આવેલ છે કે આ કાયદાની બંધારણીયતા અંગેનો કેસ હાલમાં ઉભેલો છે પરંતુ ગયા ડીસેમ્બર માસમાં ટેક્ષાસના ફેડરલ ન્યાયાધીશે એક આદેશ આપ્યો હતો કે કાયદાના વ્યકિતગત આદેશ હવે કોંગ્રેસની ટેક્ષ પાવરની કવાયત તરીકે ટકી શકશે નહીં અને તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, આ કાયદાના બાકીના ભાગો અમાન્ય છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી અધીકારીઓએ ગયા જૂન માસમાં એવી દલીલ કરી ન હતી કે વીમા ખરીદવાના દંડને કાયદાના અન્ય જોગવાઇઓથી અલગ કરી શકાય છે જે હાલમાં પણ ઉભી થઇ શકે છે.

વહીવટી તંત્રના અધીકારીઓનું એવું પણ કહેવું છે કે ગ્રાહકને કાયદા દ્વારા જે રક્ષણ આપવામાં આવેલ જેવું કે અગાઉની દર્દીની જે હાલત હોય તેનો સ્વીકાર કરવાનો રહે છે તેને પણ હવે રદ્દ કરી શકાય છે. પરંતુ જે નવી દરખાસ્ત ફાઇલ કરવામાં આવેલ છે તેમાં જસ્ટીસ ડીપાર્ટમેન્ટના ત્રણ વકીલોએ એવું જણાવ્યું છે કે નામદાર ન્યાયાધીશ ઓકોનરે સમગ્ર કાયદો રદ્દ થવાને પાત્ર છે એવું જે જણાવેલ છે તે યોગ્ય છે.

નામદાર ન્યાયાધીશના આ પ્રકારના મંતવ્ય સાથે જો સહમતી પ્રાપ્ત થાય તો મોટાભાગના લોકો કે જેમણે આ કાયદાનો લાભ લીધેલ છે તેમને સહન કરવાનો સમય આવે તો નવાઇની વાત નથી. અને કેટલાક રાજ્યોમાં મેડીકેડનો લાભ લેનારાઓને પણ અવળી અસર થવાનો ભય સતાવી રહેલ છે. આ અંગે હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના સભ્યો કે જેઓની બહુમતી છે તેઓ પ્રજાના લાભોની પડખે ઉભા રહેશે એવું ડેમોક્રેટીક પાર્ટીના સભ્યો જણાવી રહ્યા છે.

આ અંગે હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ જણાવ્યું હતું કે હાઉસના ડેમોક્રેટીક પાર્ટીના સભ્યો ઓબામા કેર એકટનો અમલ ચાલુ રહે તે અંગે તમામ પ્રયાસો કરશે તેની સૌ ખાત્રી રાખે. આ અંગે આ વિભાગના તજજ્ઞો એવું જણાવી રહ્યા છે કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના અધિકારીઓ જે પગલુ ભરી રહ્યા છે તે યોગ્ય નથી અને ધીક્કારને પાત્ર છે. નામદાર કોર્ટના ન્યાયાધીશ પણ આ કેસ અંગે જરૂરથી વિચારણા કરશે અને પ્રજાના હિતમાં ન્યાયની તુલના કરશે એવું સર્વેએ અંતમાં જણાવ્યું હતું.

ઓબામા કેર એકટનો હાલમાં સળગતો પ્રશ્ન છે અને ન્યાયની અદાલતના આંગણમાં તે પડેલો છે. આ અંગેના જેમ જેમ સમાચારો અમોને મળતા રહેશે તે પ્રમાણે અમો અમારા વાંચક વર્ગને તેનાથી માહિતગાર કરતા રહીશું તેની સૌ ખાત્રી રાખે.

 

(6:10 pm IST)