Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ASAT સિસ્ટમ શું છે અને ભારતને કેવી રીતે મદદ કરશે

હવે અંતરિક્ષમાં પણ ભારત સુપરપાવર

નવી દિલ્હી, તા.૨૭:- આજે સવારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને બધાને સંદેશ આપ્યો કે તે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. જાહેરાતમાં તેમણે દેશ અને આખી દુનિયાને જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકોએ ASAT એન્ટિ સેટેલાઈટ વેપનનું ભારતની જ એક નિષ્ક્રિય મિસાઈલ તોડી પાડીને સફળ પરીક્ષણ કર્યું છે. તેને મિશન શકિત નામ આપવામાં આવ્યું છે. ASAT  મિસાઈલ સિસ્ટમ વિકસાવનાર ભારત ચોથો દેશ છે. ભારત ઉપરાંત માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે આ સેટેલાઈટ વેપન છે. ASAT થી ભારત સ્પેસ ક્ષેત્રે પણ સુપરપાવર બનવાની રેસમાં શામેલ થઈ ગયું છે. જાણો ASAT  સિસ્ટમ શું છે અને તે આપણા દેશની સુરક્ષા વધારવામાં કેવી રીતે મદદ કરશે.

ASAT(એન્ટિ-સેટેલાઈટ વેપન્સ) એ એવું સ્પેસ વેપન છે જે હુમલાના આશયથી તૈયાર થયેલા સેટેલાઈટને નષ્ટ કરવા માટે કે તેની ક્ષમતા ખતમ કરી દેવા માટે સક્ષમ છે. ઘર્ષણની પરિસ્થિતિમાં એન્ટિ સેટેલાઈટ વેપન દુશ્મન દેશના સેટેલાઈટની ક્ષમતા ખતમ કરી તેમની ઈન્ટેલિજન્સ ભેગી કરવાની કે સીધો હુમલો કરવાની ક્ષમતા નષ્ટ કરી દે છે. રશિયાએ ઓકટોબર ૧૯૫૭માં સ્પુટનિક લોન્ચ કર્યો તેના પછી જ એન્ટિ-સેટેલાઈટ વેપન વિકસાવવાની દિશામાં કામ શરૂ થઈ ગયું હતું. ૧૯૮૦માં યુ.એસ અને રશિયા બંનેએ એન્ટિ સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટ કર્યા હતા જે ૧૯૬૭ યુનાઈટેડ નેશન્સની ટ્રીટીનો ભંગ હતો. આ પછી આ પ્રવૃત્ત્િ। પર રોક લગાવી દેવાઈ હતી. અમેરિકાએ છેલ્લે ૧૯૮૫માં ટેસ્ટ કર્યો હતો, ત્યાર બાદ વોશિંગટને ટેસ્ટિંગ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. તેમના મતે તૂટેલા સેટેલાઈટ કોમર્શિયલ અને મિલિટરી ઉદ્દેશથી તરતા મૂકાયેલા બીજા સેટેલાઈટ્સને નુકસાન પહોંચાડે તેવી આશંકા હતી. જાન્યુઆરી ૨૦૦૭માં ભારતના પાડોશી દેશ ચીને પણ ASATનું સફળ પરીક્ષણ કર્યું હતું.

એન્ટિ સેટેલાઈટ વેપનનું ડેવલપમેન્ટ ૧૯૫૦થી શરૂ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત અમેરિકા અને રશિયાએ ગ્રાઉન્ડ-લોન્ચ્ડ મિસાઈલ્સથી કરી હતી. ત્યાર પછી આ ક્ષેત્રે નવા નવા પ્રકારના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે  ASAT હતા હવે ભારત પાસે પણ છે. અત્યાર સુધી યુદ્ઘમાં આ સેટેલાઈટનો કયારેય ઉપયોગ કરવામાં નથી આવ્યો પણ દેશોએ પોતાના જ નિષ્ક્રિય સેટેલાઈટ્સ તોડી પાડીને શકિત પ્રદર્શન કર્યું છે.

સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં હંમેશાથી યુ.એસનું પ્રભુત્વ રહ્યું છે પરંતુ ચીન અને રશિયા પણ અમેરિકાને સારી પ્રતિસ્પર્ધા આપી રહ્યા છે. હવે તેમાં ભારતનું નામ જોડાયું છે. આ સેટેલાઈટ વેપન ધરાવતા દેશની મિલિટરી તાકાત અનેક ગણી વધી જાય છે. જો ભવિષ્યમાં કોઈ દેશ સાથે મતભેદ ઊભો થાય તો સેટેલાઈટ શસ્ત્રો સામે લડવા માટે ASAT મદદ કરે છે. ચીન અને રશિયાએ યુ.એસની મિલિટરી તાકાત ઘટાડવા માટે જ ASAT વિકસાવ્યા હતા.

ASATદેશની વધતી મિલિટરી ક્ષમતાનું પ્રતીક છે. સેટેલાઈટ નષ્ટ કરવાની ક્ષમતાને કારણે દુશ્મન દેશની ઈન્ટેલિજન્સ મેળવવાની ક્ષમતા અને હાઈ-પ્રિસિઝન વેપન્સ ઓપરેટ કરવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે જેને કારણે દુશ્મન દેશી મિલિટરી સ્ટ્રેન્થમાં ઘટાડો થઈ જાય છે. જો કે આ સેટેલાઈટ્સ રોજબરોજમાં ઉપયોગી ટેલિફોન કોમ્યુનિકેશન્સથી માંડીને GPS સુવિધા આપતા સેટેલાઈટ્સને પણ નુકસાન કરી શકે છે. આથી જ કેટલાંક નિષ્ણાંતો માને છે કે ASATનો અનિયંત્રિત ઉપયોગ થાય તો દુનિયા ઈન્ટરનેટ પહેલાની ૧૯મી સદીમાં ધકેલાઈ જાય તેવી પણ શકયતા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું તેમ ભારત પાસે ASAT આવવાથી દેશ વધુ સુરક્ષિત બનશે. સાથોસાથ તેમણે આ વેપનનો કોઈ દુરુપયોગ ન કરવાની પણ બાંહેધરી આપી હતી.

(3:42 pm IST)