Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જયુસને બદલે જલજીરા, કાજુ બદામને બદલે મગદાળ

એર ઇન્ડીયાની ફલાઇટમાં નાસ્તા અને ભોજનમાં થશે ધરખમ ફેરફારઃ યાત્રિઓના સ્વાસ્થ્ય માટે લેવાઇ રહ્યા છે નિર્ણય

નવી દિલ્હી, તા. ર૭ : એર ઇન્ડીયાની ફલાઇટમાં હવે પેસેન્જરોને વેલકમ ડ્રીંકના નામે અપાતા જયુસના પેકેટની જગ્યાએ દેશી પીણું આપવાની તૈયારી થઇ રહી છે એટલુ જ નહીં, નાસ્તા ઉપરાંત લંચ અને ડીનરમાં પેસેન્જરોને અત્યાર સુધી અપાતા ખોરાકમાં પણ ફેરફાર કરાઇ રહ્યા છે. હવે એર લાઇન્સની કોશિષ એવી હશે કે પેસેન્જરોને તળેલા પદાર્થોને બદલે એવી ચીજો અપાય જે તેમની તંદુરસ્ત માટે પણ ફાયદાકારક હોય. એટલા માટે જ પહેલાથી કાપીને રખાયેલા ફળો આપવાનું પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

સુત્રોનું કહેવું છે કે આ રીતના ફેરફાર કરવાનો નિર્ણય કરતા પહેલા એર ઇન્ડીયા મેનેજમેન્ટે ફલાઇટ ક્રુ પાસેથી તેમના મંતવ્યો લીધા હતાં કેમ કે પેસેન્જરો સાથે તે લોકો ડાયરકેટ વાત કરતા હોય છે. યાત્રીઓ પણ ખોરાક અંગેના પોતાના મંતવ્યો તેમને જ આપતા હોય છે.

સૂત્રો અનુસાર, આ ફેરફાર અત્યારે તો અમુક ઘરેલુ ઇકોનોમી કલાસમાં જ લાગુ કરાયા છે પણ ૧ એપ્રિલથી બધા સેકટરના ઇકોનોમી જ નહીં પણ બીઝનેસ કલાસ અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં પણ અમલી બનાવશે. આ ફેરફાર અનુસાર, બિઝનેસ કલાસમાં કાજુ અને બદામની જગ્યો મગદાળ જેવી આઇટમો પણ અપાશે.

એર ઇન્ડીયાના એક ઉચ્ચ અધિકારી અનુસાર એર ઇન્ડીયા ઘણા સમયથી એક પ્રકારનું જ મેનુ રાખતી હતી. એટલે સામાન્ય રીતે નિયમીત પેસેન્જરો આ એક જ પ્રકારના ભોજનથી કંટાળી ન જાય એટલે કંપનીએ આ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી વેલકમ ડ્રીંક તરીકે પેકેટ બંધ જયુસ જ આપવામાં આવતા હતા.

(11:48 am IST)