Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોંગ્રેસની 'ન્યાયસ્કીમ'ની જાહેરાત પર નીતિ આયોગના ઉપાધ્યક્ષે ઉઠાવ્યા સવાલ : પંચે માંગ્યો જવાબ

લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઇને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને નોટીસ મોકલી છે : રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા

નવી દિલ્હી તા. ૨૭ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવકુમારે કહ્યું કે આમ કરવું એ આર્થિક રીતે શકય નથી. રાજીવ કુમારની ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના પાંચ કરોડ ગરીબો પરિવારોને ન્યૂનતમ આવક ગેરંટી હેઠળ વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા આપવાના વચનથી રાજકોષીય અનુશાસન ધરાશયી થઈ થઈ ગયું. રાજીવકુમારે કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે  કઈં પણ કહી શકે, કરી શકે છે.

કુમારે ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના જૂના રેકોર્ડ જોઈએ તો તે ચૂંટણી જીતવા માટે ચાંદ લાવવા જેવા વાયદા કરતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે જે યોજનાની જાહેરાત કરી છે તેનાથી રાજકોષીય અનુશાસન ખતમ થઈ જશે. કામ નહીં કરવાની વાતને પ્રોત્સાહન મળશે અને તે કયારેય અમલીકરણ થશે નહીં. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશના સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક ન્યૂનતમ આવક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી થઈ શકશે નહીં. કુમારે એમ પણ કહ્યું કે  કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે ૧૯૭૧માં ગરીબી હટાવોનો નારો આપ્યો, ૨૦૦૮માં વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું અને ૨૦૧૩માં ખાદ્ય સુરક્ષાની વાત કરી પરંતુ તેમાંથી કશું પૂરું કરી શકી નહીં. આ બધા વચ્ચે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ(પીએમઈએસી)એ પણ ટ્વિટર પર ગાંધીની આ જાહેરાતની ટીકા કરી છે. પરંતુ બાદમાં એક ટ્વિટર યુઝરે કહ્યું કે તે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી રહી છે તેથી ટ્વિટ હટાવવામાં આવી હતી.

(11:46 am IST)