Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પોતાની માલિકીનો દાવો હોવાનું કહ્યું

ટિકિટ કપાણી... કોંગ્રેસના નારાજ ધારાસભ્યએ પક્ષની ઓફિસમાંથી ઉઠાવી લીધી ૩૦૦ ખુરશીઓ

ઔરંગાબાદ તા. ૨૭ : લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ભૂકંપો અને પાર્ટીના આંતરિક ડખામાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો કોંગ્રેસ પાર્ટીમાં સામે આવ્યો છે જેમાં ટિકિટની માગણી કરતા કોંગ્રેસના નેતાને ટિકિટ ના મળી તો તેમણે ૩૦૦ ખુરશીઓ ઉઠાવી લીધી છે.

લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ના મળવાના કારણે મહારાષ્ટ્રના કોંગ્રેસના નારાજ ધારાસભ્ય અબ્દુલ સત્તારે પાર્ટીની ઓફિસમાંથી સમર્થકોની મદદથી ૩૦૦ ખુરશીઓ ઉઠાવી લીધી છે. લિલોદના ધારાસભ્ય સત્તારે કહ્યું કે તેઓ પાર્ટી છોડી ચૂકયા છે અને દાવો કર્યો છે કે આ ખુરશીઓ તેમની માલિકીની છે.

કોંગ્રેસની સ્થાનિક ઓફિસ 'ગાંધી ભવન'માં ગઠબંધન સહયોગી એનસીપી સાથે એક બેઠક બોલાવી હતી. બેઠક શરુ થાય તે પહેલા સત્તાર તેમના સમર્થકો સાથે પાર્ટીની ઓફિસ પહોંચ્યા અને ખુરશીઓ ઉઠાવી લેવડાવી.

ખુરશીઓ ના હોવાના કારણે કાર્ય કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક એનસીપીની ઓફિસમાં યોજવામાં આવી. જિલ્લાના પ્રભાવશાળી નેતા સત્તારને આશા હતી કે તેમને ઓરંગાબાદ બેઠકની લોકસભા ટિકિટ મળશે, જોકે, ટિકિટ વિધાન પરિષદના સભ્ય સુભાષ ઝાંબાદને ટિકિટ આપવામાં આવી જેના કારણે સત્તાર નારાજ થયા હતા.

સત્તારે કહ્યું- હા, ખુરશીઓ મારી હતી અને મે કોંગ્રેસની બેઠક માટે તેને ઉપલબ્ધ કરાવી હતી. હવે મે પાર્ટી છોડી દીધી છે અને માટે ખુરશીઓ પણ લઈ લીધી છે. જેમને ટિકિટ મળી છે તેઓ વ્યવસ્થા કરે. ઝાંબાદ આ ઘટનાને મામુલી ગણાવી રહ્યા છે અને તેમણે કહ્યું- 'સત્તારને જરૂર હશે માટે તેમણે ખુરશીઓ ઉઠાવી લીધી છે. અમે નિરાશ નથી. સ્તાતર હજુ પણ કોંગ્રેસમાં છે, કારણ કે તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું.'

(11:45 am IST)