Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાજપમાં અટલ- અડવાણી- જોશીના યુગની સમાપ્તી

વડીલોને નજરઅંદાજ કરાતા અને ટીકીટ વહેંચણીને લઈને ભાજપમાં કાનપુરથી લઈને બેંગ્લોર સુધી ભારે અસંતોષ અને નારાજગીઃ અડવાણી અને જોશી જ નહિ ભાજપે શાંતાકુમાર, કરીયા મુંડા, બી.સી. ખંડુરી, કાલરાજ મિશ્રા, બિજોય ચક્રવર્તી વગેરેને ટીકીટ નથી આપીઃ સુમિત્રા મહાજન વચ્ચે સસ્પેન્શ

નવી દિલ્હી, તા. ૨૭ :. ભાજપ સંપૂર્ણ રીતે બદલાઈ ગયુ છે. બદલાઈ ગયો છે એ પક્ષ જેના માટે કહેવાતુ હતુ કે, ભાજપના ત્રણ ધરોહર અટલ, અડવાણી અને મુરલી મનોહર. પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ યુગનો અંત થઈ ચૂકયો છે. અટલ હયાત નથી અને આ વખતે અડવાણી અને મુરલી મનોહર જોશીને પક્ષે ટીકીટ આપી નથી. આ વખતે ચૂંટણીમાં અનેક નવા ચહેરાઓની શરૂઆત થઈ ચુકી છે તો અનેક જૂના ચહેરાઓ યાદોની ધૂળમાં દફન થવા તરફ છે. ભાજપમાં વડીલોને એક બાજુ મુકાતા અંદરખાને ભારે નારાજગી જોેવામાં આવી રહી છે. ટીકીટની વહેંચણીમાં ભાજપ તરફથી ભલે યુવાનોને મહત્વ આપવામાં આવતુ હોય પરંતુ પક્ષની અંદર ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં પક્ષે જૂના દિગ્ગજ ચહેરાઓને બદલે યુવા ચહેરા પર દાવ લગાડયો છે. ભાજપે અડવાણીને ગાંધીનગરથી ટીકીટ નથી આપી તો કાનપુરથી મનોહર જોશીને પણ ટીકીટ નથી આપી. કાનપુરથી ટીકીટ નહિ મળતા મુરલી મનોહર જોશી નારાજ છે અને તેમણે મતદારોને પત્ર લખ્યો છે. આટલુ જ નહિ બેંગ્લોર અને પટણામાં પણ ઉમેદવારોના એલાનને લઈને પક્ષના એક વર્ગમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

મુરલી મનોહર જોશીની ટીકીટ કપાવાથી સિનીયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે આ દુઃખદ ટ્રેન્ડ છે. બેંગ્લોરમાં પણ ટીકીટને લઈને અસંતોષની સ્થિતિ છે. ભાજપે દક્ષિણ બેંગ્લોરની બેઠક પર અનંતકુમારની પત્ની તેજસ્વીનીને બદલે ૨૮ વર્ષના સૂર્યાને મેદાનમાં ઉતાર્યો છે. જેના કારણે બગાવતની શકયતા છે. સ્થાનિક નેતાઓ આ ફેંસલો માનવા તૈયાર નથી એટલુ જ નહિ પ્રદેશ યુનિટે તેજસ્વીનીના નામની ભલામણ કરી હતી.

પટણામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પહોંચ્યા તો એરપોર્ટ પર જ ટીકીટની દાવેદારી ગણાવતા આર.કે. સિંહાના ટેકેદારોએ તેમનો વિરોધ કર્યો હતો. તેમને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા તો બીજી તરફ બેગુસરાઈમાંથી ગીરીરાજસિંહને ટીકીટ અપાતા તેઓ નારાજ છે. તેઓ અગાઉ નવાદા સીટ પરથી ચૂંટાયા હતા. આ સિવાય મેનકા ગાંધીને પીલીભીતને બદલે સુલતાનપુર તો વરૂણને સુલતાનપુરને બદલે પીલીભીત મોકલાયા છે. પૂર્વ મંત્રી રામશંકર કઠેરીયાને આગ્રાને બદલે ઈટાવા મોકલાયા છે.

વરિષ્ઠ નેતાઓને ચૂંટણી જંગથી બહાર લઈને ઉઠતા સવાલો પર પક્ષના નેતાઓનું કહેવુ છે કે, આ સૈદ્ધાંતિક નિર્ણય છે કે વડીલોએ નવી પેઢીને સ્થાન આપવું જોઈએ. પક્ષે અડવાણી કે જોશી જ નહિ પરંતુ શાંતા કુમાર, બી.સી. ખંડુરી, કરીયા મુંડા, કાલરાજ મિશ્રા, બિજોય ચક્રવર્તી વગેરેને ચૂંટણી નહિ લડાવવાનો નિર્ણય લીધો છે કારણ કે આ બધા ૮૦ વર્ષ ઉપરના છે.

દરમિયાન લોકસભાના સ્પીકર અને ઈન્દોરથી જીતતા સુમિત્રા મહાજનને લઈને સસ્પેન્શ છે. તેઓ ૭૬ વર્ષના છે. જે રીતે વડીલોને એકબાજુ રાખવામાં આવી રહ્યા છે તે જોતા તેમને પણ ટીકીટ મળશે કે નહિ ? તે નક્કી નથી.

ભાજપમાં એવુ લાગે છે કે હવે અટલ અને અડવાણીનો યુગ પુરો થઈ ગયો છે. મુરલી મનોહર જોશી અને અડવાણીએ પક્ષ માટે લોહી રેડીયુ હતું. બન્નેને અગાઉ માર્ગદર્શક મંડળમાં લેવાયા હતા પરંતુ તેમની અવગણના જોવા મળતી હતી.

(11:37 am IST)