Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હવે ડિલિવરી બોયને પણ લેવી પડશે FDAની પરમિટ

ગ્રાહકે ઓર્ડર કરેલા ફુડને ખાતા ડિલિવરી બોયના વાઇરલ વીડિયોને પગલે નિર્ણય

નવી દિલ્હી તા.૨૭: દેશમાં ઓનલાઇન ખાદ્ય પદાર્ર્થો મગાવવાનો ટ્રેન્ડ વધતો જઇ રહયો છે ત્યારે ઓનલાઇન ખાદ્ય પદાર્થો પહોંચાડવાના કામ કરનારી કંપનીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઇ રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લેતાં હવે આવી રીતે ઓનલાઇન ઓર્ડરની ડિલિવરી કરનારા બોય ફુડ આઇટમને યોગ્ય રીતે પહોંચાડવા માટે યોગ્ય છે કે નહીં એની ચોકસાઇ કરવાની નિર્ણય રાજ્યના અન્ન અને ઓૈષધ ખાતા દ્વારા લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે એક ઓનલાઇન ફુડની ડિલિવરી કરનારા બોયનો વિડિયો વાઇરલ થયો હતો જે ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવેલા હોટેલના ઓર્ડરના પેકેટમાંથી ખાવાનું ખાઇ રહ્યો હતો. આ વિવાદ પછી એફડીએએ આ દિશામાં ગ્રાહકોના હિતમાં વિચાર શરૂ કર્યો હતો.

હવે એફડીએએ ગ્રાહકો સુધી સુરક્ષિત અને કોઇપણ દોષ વગરના ખાદ્ય પદાર્થો પહોંચે એ માટે તેમને વિશેષ ટ્રેઇનિંગ્ આપવાની અને ખાદ્ય પદાર્ર્થોની ડિલિવરી કરવા માટેની પરમિટ આપવાની ફરજીયાત બનાવવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

ડિલિવરી બોય આને માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે અને એને માટે ૧૦૦ રૂપિયાની ફી આપવાની રહેશે. પહેલાં આને માટે પ્રાથમિક અને આરોગ્ય સંબંધી માહિતી ભરીને આપવાની રહેશે.

આ પરમિટ એક વર્ષ માટે રહેશે અને દર વર્ષે એને રિન્યુ કરવી પડશે. ડિલિવરી બોયે ખાદ્ય પદાર્થની ડિલિવરી કરતી વખતે પોતાની સાથે પરમિટ રાખવાનું ફરજિયાત રહેશે.

એફડીએના કમિશ્નર ડો. પલ્લવી દરાડેએ આ સંબંધે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'મોબાઇલ ફુડ વેનર મારફતે ખાદ્ય પદાર્થની ડિલિવરી કરતી વખતે ડિલિવરી બોયને જાણે-અજાણે ખાદ્ય પદાર્થ સાથે સંપર્ક થતો હોય છે. આવી સ્થિતિમાં તેમની મેડિકલ તપાસ થવી આવશ્યક છે. અનેક રોગનો પ્રસાર આવી રીતે થઇ શકે છે. ઓનલાઇન ફુડ કંપનીઓએ આ નિયમોનું પાલન કરવું પડશે. આગામી થોડા દિવસ એફડીએ રાહ જોશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે.'

(10:29 am IST)