Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કાર ખરીદી - વિદેશની મુલાકાતોની ફેસબુક તસવીરો હવે ITના રડારમાં

૧લી એપ્રિલથી કરદાતાઓના ટેકસ પ્રોફાઇલ ઉપર વોચ રાખશેઃ ફેસબુક - ઇન્સ્ટાગ્રામની તસવીરો જ કરદાતાના ખર્ચની માહિતી આપી દેશે

મુંબઇ તા. ૨૭ : ઇન્કમટેકસ વિભાગ હવે ભારતીય કરદાતાઓની ટેકસ પ્રોફાઇલ ઉપર કડક વોચ રાખશે. આગામી ૧લી એપ્રિલથી હવે કરદાતાઓની સોશિયલ મિડીયા ઉપરની તસવીરો ખાસ કરીને વિદેશની મુલાકાત દરમિયાનની તસવીરો, જંગી ખર્ચની તસવીરો ઉપર પણ આઇટીના રડારમાં આવશે. જો કરદાતાઓ તેમના ખર્ચની તુલનાએ તેમના આઇટી રિટર્નમાં આવકનો ઉલ્લેખ ન કરતા હોય તો તેમને ઇન્કમટેકસની નોટિસ મળી શકશે. જો ટેકસ ચોરીનો સંગીન મામલો હોય તો ઇન્કમટેકસ અધિકારીઓ કરદાતાની ઓફિસ કે ઘેર જઇને ઇન્વેસ્ટિગેશન પણ કરશે.ભારતીય કરદાતાઓની પ્રોફાઇલની હવેથી ૩૬૦ ડિગ્રી અને સઘન તપાસ થઇ શકશે.

આઇટીના સૂત્રોના જણાવ્યા મુજબ હવે જે કરદાતાઓ લખલૂંટ ખર્ચાઓ કરે છે અને તેમની આવક રેકોર્ડ ઉપર દર્શાવતા નથી તેમને હવે આઇટીના જવાબ આપવા તૈયાર રહેવું પડશે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર મુકેલી તસવીરો જ હવે કરદાતાના ખર્ચની માહિતી આપશે. તમે નવી કાર ખરીદી હોય કે વિદેશી ટુર કરી હોય અને તેના ફોટા મુકયા હોય તો તે પણ હવે ટ્રેક થશે.

છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રોજેકટ ઉપર આઇટી વિભાગના અધિકારીઓ કાર્ય કરી રહ્યા હતા. હવે તેના અમલની દિશામાં સત્તાવાર કાર્યવાહી થશે તેમ પણ જાણવા મળે છે.

કરદાતાઓ દ્વારા થતી કરચોરી કરવી અશકય બની જાય તેવી સ્થિતિ સર્જવાનું લક્ષ ઇન્કમટેકસ વિભાગે રાખ્યુંછે. નવા આઇટી રિટર્ન ફાઇલ કરનારાઓ અને નોન ફાઇલર્સ ની ટેકસ પ્રોફાઇલ બનશે. વધુને વધુ વ્યકિતઓને આઇટીના દાયરામાં લાવવાનું આ લક્ષ્યાંક છે. આ ઉપરાંત નોટબંધી દરમિયાન પણ જે લોકોએ યુકિતઓ વાપરીને નાણાં વગે કર્યા હતા તેમને પણ જરૂર પડે ટેકસ નેટમાં લાવવાનો હેતુ છે. જેમની સામે રૂ.૧૦ લાખ ઉપરાંતની ટેકસ ડિમાન્ડ નિકળી છે તેમને પણ સાંકળવામાં આવશે.

ઇન્કમટેકસ વિભાગનો રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે પ્રોજેકટ તૈયાર કરાયો છે. જેમાં મોટા પાયા ઉપર ડેટા રાખીને ટેકસ ટ્રેકિંગ કરવામાં આવે છે. જેમાં બિન પરંપરાગત પણ અસરકારક માહિતી  સ્ત્રોતમાંથી માહિતી મેળવશે. અગાઉ માત્ર બેંકમાં કરાયેલી ડિપોઝીટને જ આઇટી વિભાગ નજરમાં રાખતું હતું. આવક, નફો અને કેપિટલ ગેઇન ઉપર પણ નજર રહેશે. પ્રોપર્ટી વેચાણ બાદ મળેલી જંગી આવક પણ હવે રડારમાં આવશે.   ગત ૧૫મી માર્ચથી આ પ્રોજેકટનું ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનો સૂત્રોએ જણાવ્યું હતું.

(10:28 am IST)