Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

૧લી એપ્રિલથી ટ્રાઇના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટેના નવા નિયમો લાગુ થઇ જશે

નવા નિયમોથી ઘટી જશે ગ્રાહકોનું ટીવી બિલ : બ્રોડકાસ્ટર્સે આપવું પડશે ચેનલનું લીસ્ટ

નવી દિલ્હી તા. ૨૭ : ટ્રાઈના ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું કે, નવા ટેરિફ નિયમોથી ટેલિવિઝન દર્શકોના માસિક બિલમાં વધારો નહી થાય કારણ કે, સર્વિસ પ્રોવાઈડર્સ ગ્રાહકોને તેમની પસંદગીની ચેનલો નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપે છે. ૧લી એપ્રિલથી ટ્રાઈના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટેના નવા નિયમો લાગુ થઈ જશે. ત્યાર બાદ ઓપરેટર્સ ગ્રાહકો પાસેથી લૂંટ નહીં ચલાવી શકે. ગ્રાહકો ચેનલો પસંદ કરવાની આઝાદી મળશે. ગ્રાહકો જે ચેનલ જોવા ઈચ્છે તેનું જ તેને ભાડું ચૂકવવાનું રહેશે. જેના માટે તમામ બ્રોડકાસ્ટર્સે તેમની ચેનલનું લિસ્ટ તૈયાર કરવાનું રહેશે.      

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) નવા નિયમો અનુસાર પ્રસારણકર્તાઓ, વિતરકો અને કેબલ ટેલિવિઝન ઓપરેટરોએ પ્રત્યેક ચેનલની અલગ અલગ કિંમત નક્કી કરવાની રહેશે, જે ૧૯ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ગ્રાહકોમાં જાગૃતતા લાવવા માટે સમયમર્યાદાને ત્રણ વખત વધારવામાં આવી છે.

શર્માએ કહ્યું કે, ટ્રાઈના આંકડાઓ એકત્ર કરવાનું કામ કરી રહ્યું છે, જેથી એ જાણી શકાય કે, નવા નિયમથી ડીટીએચ અને કેબલ ઓપરેટર્સ ગ્રાહકોનું માસિક બિલ તો નથી વધ્યું ને. સરેરાશ ૯૦ ટકા લોકો ૫૦થી ઓછી ચેનલો જોવા છે. શર્માએ કહ્યું કે, મારૂ માસિક ટીવી બિલ ૭૦૦ રૂપિયાથી ઘટીને ૨૩૬ રૂપિયા પર પહોંચી ગયું છે.

૧૦૦ ફ્રી-ટુ-એર ચેનલો માટે ગ્રાહકોએ હવે દર મહિને માત્ર ૧૩૦ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તેઓ વધારાની કિંમત ચૂકવીને પેઈડ ચેનલોની સેવા લઈ શકે છે.

શર્માએ કહ્યું કે, ટ્રાઈને ફરિયાદો મળી રહી છે કે, કેટલાક સેવા પ્રદાતાઓ સિલેકટેડ ચેનલોની સેવા એકિટવેટ નથી કરી રહ્યાં, અથવા તો આવું કરવામાં વધુ પડતો સમય લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે જો અમારી પાસે તેમની વિરુદ્ઘ ફરિયાદ આવશે તો, અમે તેને કારણસૂચક નોટિસ આપવામાં જરા પણ મોડું નહીં કરીએ. ગ્રાહકો અમારા કોલ સેન્ટર પર પણ ફરિયાદ નોંધાવી શકે છે.

(10:09 am IST)