Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઘર બનાવનારને જ મોદીએ બહાર કર્યા છે : અરવિંદ કેજરીવાલ

અડવાણી, જોશીની અવગણના મુદ્દે મોદી પર પ્રહાર : વડાપ્રધાને હિન્દુ સંસ્કૃતિનું અપમાન પણ કર્યું : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા. ૨૬ :  આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને આગામી લોકસભા ચૂંટણીમાં નહીં ઉતારીને તેમનું અપમાન કર્યું છે. મોદી ઉપર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકોએ ઘર બનાવ્યું હતું તે લોકોને જ ઘરની બહાર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનનું વલણ હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં છે જે લોકોને પોતાના વરિષ્ઠ લોકોનું સન્માન કરવાની પ્રેરણા આપે છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, મોદીએ જે રીતે અડવાણી અને મુરલી મનોહર જોશીનું અપમાન કર્યું છે તે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. હિન્દુ ધર્મમાં વરિષ્ઠ લોકોનું સન્માન કરવાનું સીખવાડવામાં આવે છે. જોશી, સુષ્મા સ્વરાજ અને અન્યનું અપમાન કેમ કરવામાં આવી રહ્યું છે તેવા પ્રશ્નો હવે થઇ રહ્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, વરિષ્ઠ લોકોનું સન્માન નહીં કરનાર ઉપર વિશ્વાસ કરવાની બાબત યોગ્ય દેખાઈ રહી નથી. અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી મૌન રહ્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના મામલે પ્રતિક્રિયા આપી હતી. અત્રે નોંધનીય છે કે, ટિકિટ નહીં મળતા મતદારોને પત્ર લખીને મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે, ભાજપે ચૂંટણી લડવાની તેમને તક આપી નથી. જોશીએ કહ્યું છે કે, ભાજપના મહાસચિવે તેમને ચૂંટણી મેદાનમાં ન ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. પત્ર મારફતે જોશીએ બળજબરીપૂર્વક વીઆરએસ માટે જવા તરફ ઇશારો કર્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીનું નામ સામેલ કરવામાં આવ્યા નથી. ભાજપના મહાસચિવ રામલાલે તેમને પત્ર લખીને કાનપુર અથવા તો અન્ય કોઇ સીટ પરથી મેદાનમાં ન ઉતારવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ પણ કપાઈ ગઇ છે. 

 

(8:51 am IST)