Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર ભારતે યુએન માનવધિકાર પરિષદને રોકડું પરખાવ્યું

નિષ્પક્ષતા અને તટસ્થતા માનવાધિકારના એકમો હોવા જોઈએ

નવી દિલહયી : ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને ભારતના ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર કરવામાં આવેલા બિનજરૂરી નિવેદનો અંગે આડકતરી રીતે સણસણતો જવાબ આપ્યો છે. માનવાધિકાર પરિષદના 46માં સત્રમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે ભારત સરકારે ખેડૂત કાયદાઓ વિરોધી આંદોલનને ખુબ માન આપ્યું છે. ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર તેમની સાથે સતત ચર્ચા-વિચારણા કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય ઇન્દ્રમણી પાંડેએ UNHRCના વડા મિશેલ બેચેલેટના ખેડૂત કાયદા વિરોધી આંદોલન અંગેના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે નિષ્પક્ષતા અને તટસ્થતા માનવાધિકારના એકમો હોવા જોઈએ.અમને ખેદ છે કે UNHRCના વડા મિશેલ બેચેલેટના મૌખિક નિવેદનમાં આ બંનેનો અભાવ છે.

 

ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે ભારત સરકારે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્‍યાંક નક્કી કર્યું છે. ત્રણ ખેડૂત કાયદા લાગુ કરવાના ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને તેમની પેદાશની વાસ્તવિક કિંમત નક્કી કરવી અને તેમની આવક વધારવી.

ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે આ કાયદાઓ ખાસ કરીને નાના ખેડૂતો માટે ફાયદાકારક
છે. આ કાયદાઓ નાના ખેડૂતોને વધુ વિકલ્પો પૂરા પાડશે. UNHRCના વડા મિશેલ બાચેલેટને આશા હતી કે ભારત સરકાર અને ખેડૂત કાયદાન વિરોધી આંદોલનકરીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદનો કોઈ સંવાદથી ઉકેલ આવે. બાચેલેટે આંદોલનને કવર કરનાર પત્રકારો સામેની કાર્યવાહી અને ઇન્ટરનેટ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાના પ્રયાસોની ટીકા કરી હતી.

ઇન્દ્રમણી પાંડેએ કહ્યું કે કે હવે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (UNHRC)ની ઉપલબ્ધિઓ અને નિષ્ફળતાઓને આંકલનનો સમય આવી ગયો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની આ શાખાને તેના ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તેને મજબૂત અને સુધારવાના માર્ગો શોધી કાઢવા જોઈએ. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે માનવાધિકારને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે ભારતનું વલણ સર્વસમાવેશક સમાજ અને બિનસાંપ્રદાયિક રાજકારણવાળી જીવંત લોકશાહી તરીકેના પોતાના અનુભવ પર આધારિત છે.

(12:00 am IST)