Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અંબાલાલ પટેલની મોટી આગાહી : માર્ચમાં કાળઝાળ ગરમી ભુક્કા બોલાવશે : એપ્રિલમાં કરા સાથે વરસાદ

પહેલી અને બીજી માર્ચે સવારે ઠંડા પવનો ફૂંકાશે : 4થી 15 માર્ચ સુધી દિવસનું તાપમાન વધશે

નવી દિલ્હી : શિયાળાની વિદાય સાથે હવે ઉનાળાનું આગમન ધીમે પગલે દરવાજે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે આગામી માર્ચ- એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ઓડિશા, વિદર્ભના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું, માવઠા અને કરા પડે તેવી સંભાવના છે. પુનમની આસપાસ વાદળો આવે અને પહેલી અને બીજી માર્ચે સવારે ઠંડા પવનો ફૂંકાશે

ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે, 04થી 15 માર્ચ સુધી દિવસનું તાપમાન વધશે અને આ અરસામાં હવામાનમાં પણ ઘણા પલટા આવશે. જેમાં વાદળછાયું અને કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. કોઈ કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

આ ઉપરાંત 19થી 21 માર્ચમાં આકરી ગરમી પડશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, ડીસા, નલિયા, જુનાગઢના કેટલાક ભાગો, અમરેલી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં તાપમાન વધશે અને રાજ્યના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્યિયસને પાર કરશે. માર્ચમાં કેટલાંક ભાગમાં માવઠાની સંભાવના રહેશે.

એપ્રિલમાં ઉત્તર ગુજરાતના ભાગો જેવા પાટણ, બનાસકાંઠા, સાંતલપુર, રાધનપુર, હારિજ, ભાંભોર તથા કચ્છ અને સુરેન્દ્રનગરના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. ત્રણથી પાંચ એપ્રિલ અને 18થી 30 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે. ગલ્ફનુ ધૂળકટ ચડી આવશે, આંધી-પવન, ગાજવીજ સાથે કેટલાંક ભાગમાં કમોસમી વરસાદ કરાની સંભાવના રહેશે.

હવામાન નિષ્ણાંત એ પણ કહે છે કે આ અરસામાં આકરી ગરમી પડશે અને કેટલાંક ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. તો વળી કેટલાંક ભાગોમાં વિક્રમજનક ગરમી પડશે. એપ્રિલમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં વરસાદ, હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરની નદીઓના જળસ્તરમાં વધારો થશે.

(11:22 pm IST)