Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ઈસરોની યશકલગીમાં ઉમેરાશે વધુ એક પીંછુ : કાલે PSLV-C51 અમેઝોનિયા-1 લોન્ચ કરાશે

ઉપગ્રહ અમેઝન ક્ષેત્રમાં જંગલો કાપણીની દેખરેખ અને બ્રાઝીલના વિસ્તારમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગી

નવી દિલ્હી : આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLV-C51 અમેઝોનિયા-1 મિશન કાલે લોન્ચ કરાશે. જેના માટે શનિવારે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.

ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું કે, PSLV-C51, PSLVનું 53મું મિશન છે.આ રૉકેટ દ્વારા PSLVથી બ્રાઝિલના અમેઝોનિયા-1ને લોન્ચ કરાશે. અમેઝોનિયા-1 સાથે અન્ય 18 સેટેલાઈટ પણ સતિશ ધવન સ્પેશ સેન્ટરથી લોન્ચ કરાશે.

ઇસરોના જણાવ્યા અનુસાર, આ રૉકેટને ચેન્નઇથી અંદાજિત 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. હવામાનને લઈ કોઈ સમસ્યા ન સર્જાય તો આવતીકાલે સવારે 10 વાગ્યેને 24 મિનિટે લોન્ચિંગ થશે. ઉંધી ગણતરી સવારે 8 વાગ્યાને 54 મિનિટ પર શરૂ થઇ ચૂકી છે. PSLV(પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) C51/અમેઝોનિયા-1 ઇસરોની NSILનું પ્રથમ ડેડિકેટેડ કોમર્શિયલ મિશન છે.

અમેઝોનિયા-1 અંગેના નિવેદનમાં જણાવ્યું કે, આ ઉપગ્રહ અમેઝન ક્ષેત્રમાં જંગલો કાપણીની દેખરેખ અને બ્રાઝીલના વિસ્તારમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓને રિમોટ સેન્સિંગ આંકડાઓ ઉપલબ્ધ કરાવશે અને હાલના માળખાને મજબૂત બનાવશે.

મહત્વનું છે કે, આ 18 સેટેલાઈટમાં એક નેનોસેટેલાઈટ પર પ્રધાનમંત્રી  મોદીનું નામ અને તસ્વીર પણ અંતરિક્ષમાં મોકલાશે. બ્રાઝિલમાં આવેલા એમેઝોનના જંગલોની સ્થિતિ પર નજર રાખવા પર એમઝોનિયા-1 કામ કરશે.

(11:05 pm IST)