Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નજીકના બિઝનેસમેનોને ત્યાં ઈડી- CBIના દરોડા

કોલસાની હેરાફેરી દરમિયાન કેટલાય અધિકારીઓ અને નેતાઓએ લાંચ લીધી હોવાની તપાસ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કોલસા ઘોટાળની તપાસ હવે અધિકારીઓ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના ઘર સુધી પહોંચી છે. સીબીઆઈ અને ઈડી દ્વારા શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજીના નજીકના બિઝનેસમેનોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા સાઉથ કોલકાત્તા, આસનસોલ સ્થિત ઘર અને ઓફિસો પર પાડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે કોલસાની હેરાફેરી દરમિયાન કેટલાય અધિકારીઓ અને નેતાઓ લાંચ લીધી હતી. આ કેસમાં ગત વર્ષે ડિસેમ્બરની શરુઆતમાં કોલકાત્તાના સીએ ગણેશ બગારિયાની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સીબીઆઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ મામલામાં બે દિવસ પહેલા જ સીબીઆઈએ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજાની પત્ની રુજિરા બેનરજી અને રુજિરાની બહેન મેનકાની ગંભીર પૂછપરછ કરી હતી. બંને પાસેથી પૈસાની લેવડ-દેવડ અને આવક સંલગ્ન જાણકારી મેળવવામાં આવી છે. સૂત્રોના કહેવા અનુસાર, હવે સીબીઆઈ આ તમામના બેંક અકાઉન્ટ અને સંપત્તિઓની તપાસ કરી રહી છે. ઈડીને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવી છે.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, કોલસા ઘોટાળામાં તૃણમૂલના નેતાઓ પર આરોપ લાગ્યા છે, જેમાં મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીનું નામ પણ સામેલ છે. આરોપ છે કે બંગાળમાં ગેરકાયદે કેટલાક હજારો કરોડના કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું. આ રેકેટ થકી કોલસાને બ્લેક માર્કેટમાં વેચવામાં આવ્યો હતો. અહીંયા નોંધવું રહ્યું કે, અભિષેક બેનરજી તૃણમૂલની યુવા વિંગના અધ્યક્ષ છે.

(10:54 am IST)