Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કોરોના રિટર્ન્સ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ !

ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને આપ્યા આદેશ : સાવધાની અને કડક નજર રાખવાની જરૂર

નવી દિલ્હી તા. ૨૭ : ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મહામારી ફરી માથું ઊંચકી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ મુદ્દે અલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ મામલે સતર્કતા વધારી દીધી છે.

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઈડલાઇનને ૩૧ માર્ચ સુધી લંબાવવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસ સામે જંગને સંપૂર્ણપણે જીતવા માટે સાવધાની અને કડક નજર રાખવાની જરૂર છે.

પત્રમાં ગૃહસચિવ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા મહિનાઓમા કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કોરોના વાયરસ સામે જંગમાં જીતવા માટે કડક નજર રાખવા તથા સતર્ક રહેવાની જરૂર છે. આ વાતને ધ્યાનમાં રાખીને ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવેલ આદેશને ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવે છે.

SOPની અંતર્ગત આવતી બધી જ ગતિવિધિઓને અનુમતિ આપી દેવામાં આવી છે. અને SOPમાં જે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે તેનું કડકપણે પાલન થવું જરૂરી છે. પરિવહન અને સામાન્ય લોકોને એક રાજયથી બીજા રાજયમાં જવા પર કોઈ જ રોક નથી.

(10:17 am IST)