Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોનાં SHOનો કરાવો નાર્કો ટેસ્ટ: આપ ધારાસભ્યની માંગણી

ભડકાઉ ભાષણ મામલે પૂરતા પુરાવા હોવા છતાં ભાજપ નેતાઓ સામે પોલીસે પગલાં લીધા નથી

 

નવી દિલ્હી : રાજધાની દિલ્હી (ઉત્તર પૂર્વ દિલ્હી) માં ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસા હવે નિયંત્રણમાં છે. જોકે, લોકોમાં હજુ પણ ગભરાહટનું વાતાવરણ છે. હિંસામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ વધી રહી છે. દરમિયાન, આમ આદમી પાર્ટીનાં નેતા અને ગ્રેટર કૈલાસનાં ધારાસભ્ય, સૌરભ ભારદ્વાજે હિંસા પ્રભાવિત વિસ્તારોનાં પોલીસ સ્ટેશનનાં એસએચઓ નો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે.

 આ ઉપરાંત તેમણે ભાજપનાં નેતા કપિલ મિશ્રા અને અભય વર્મા સામે સાંપ્રદાયિક ઘર્ષણ દરમિયાન લોકોને ભડકાવવા માટે ભડકાઉ નિવેદનો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હિંસામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 34 હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. તેમાં પોલીસકર્મી રતનલાલ અને આઈબી અધિકારી અંકિત શર્મા પણ શામેલ છે.

 વિધાનસભાનાં ત્રણ દિવસીય વિશેષ સત્રનાં અંતિમ દિવસે દિલ્હી વિધાનસભામાં બોલતા, ગ્રેટર કૈલાશનાં આપ નાં ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે માંગ કરી હતી કે, હિંસાગ્રસ્ત વિસ્તારોનાં એસએચઓ એ સત્યને ઉજાગર કરવા માટે નાર્કો ટેસ્ટ કરાવવો જોઇએ. તેમણે એમ પણ કહ્યુ કે, ભાજપનાં નેતાઓ કપિલ મિશ્રા અને અભય વર્મા વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતા પોલીસે કેમ યોગ્ય પગલાં લીધાં નથી. સૌરભ ભારદ્વાજ ઉપરાંત તિમારપુરનાં ધારાસભ્ય અને આપ નેતા દિલીપ પાંડેએ પણ ભડકાઉ ભાષણો આપવાના આરોપમાં કપિલ મિશ્રાની ધરપકડની માંગ કરી હતી. તેમણે કહ્યું કે કપિલ મિશ્રાએ લોકોને ઉત્તર-પૂર્વ દિલ્હીનાં કેટલાક ભાગોમાં હિંસા ભડકાવવા માટે ઉશ્કેર્યા હતા

(12:08 am IST)