Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અજિત દોભાલ બાદ સ્પેશિયલ કમિશનર શેરીઓમાં પહોંચ્યા

દિલ્હીમાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો : તમામ ટોચના અધિકારીઓ રક્તપાત બાદ જોરદાર સક્રિય

નવી દિલ્હી, તા.૨૭ : દિલ્હી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા દળોની મોટાપાયે તૈનાતી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર લોકોની વચ્ચે વિશ્વાસ જગાવવાના પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ બાદ હવે નવા સ્પેશિયલ પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ પણ દિલ્હીના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં માર્ગો ઉપર ઉતર્યા હતા અને જુદા જુદા વિસ્તારમાં જઇને લોકોની સમસ્યા જાણવાના પ્રયાસ કર્યા હતા. શ્રીવાસ્તવ આજે ખજુરીખાસમાં લોકોને મળવા માટે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન મહિલાઓ, યુવાનો, વરિષ્ઠ લોકો અને અન્યો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી રક્તપાતનો દોર જોરદારરીતે ચાલ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૫મી ફેબ્રુઆરીના દિવસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ રાજ્યપાલ અનિલ બેજલ, ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

          ત્યારબાદ એસએન શ્રીવાસ્તવને તાત્કાલિક અસર સાથે ખાસ પોલીસ અધિકારી લો એન્ડ ઓર્ડર નિમવામાં આવ્યા હતા. આગલા દિવસે જાફરાબાદ મેટ્રો સ્ટેશન, મોજપુર ચોકને ખાલી કરી દેવામાં સફળતા મળી હતી. વરિષ્ઠ અધિકારીઓ પણ સક્રિય થયેલા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને પણ બોલાવવામાં આવ્યા છે. બુધવારના દિવસે તેઓ સિલમપુર, ભજનપુરા, યમુના વિહાર, મોજપુર જેવા વિસ્તારમાં ફરતા નજરે પડ્યા હતા.  સામાન્ય લોકો સાથે વાત કરીને વિશ્વાસ જગાવવાના પ્રયાસ કરાયા હતા. તેમની સામે કોઇપણ ખચકાટ વગર લોકોએ તેમની સમસ્યા રજૂ કરી હતી. કોઇએ પોતાની દુકાનો સળગાવી દેવામં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ તેમની સુરક્ષામાં રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર બાદ દોભાલ પ્રથમ વખત દિલ્હીમાં રસ્તા પર આવ્યા છે.

(7:51 pm IST)