Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હિંસા અંગે મૌન : કોંગીનો આક્ષેપ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળ્યા : રાજધર્મ અદા કરવા માટે પૂર્વ વડપ્રધાન મનમોહનસિંહની કેન્દ્ર સરકારને અપીલ : હિંસાના સંદર્ભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને મેમોરેન્ડમ

નવી દિલ્હી, તા.૨૭ : દિલ્હીમાં હિંસાને લઇને જોરદાર રાજનીતિ પણ શરૂ થઇ ચુકી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ પણ એએપી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન બિલકુલ નિષ્ફળ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મૌન રહ્યા છે. હિંસાની સ્થિતિ હોવા છતાં કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિ સમક્ષ નાગરિકોની સુરક્ષા, સ્વતંત્રતા અને સમૃદ્ધિની ખાતરી કરવા માટે અપીલ કરી ચુક્યા છે. અમે પુનરોચ્ચાર કરી ચુક્યા છે કે, હિંસાને રોકવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં અમિત શાહને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઇએ. બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાજધર્મ અદા કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

            દિલ્હીમાં હિંસાના દોર વચ્ચે આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડપ્રધાન મનમોહનસિંહ અને પાર્ટીના અન્ય નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપીને માહિતી મેળવી હતી. સુત્રોના કહેવા મુજબ દિલ્હી પોલીસ અને ઇન્ટેલીજન્સ વિંગની શાખાઓ વાયરલેસ રેડિયો મારફતે સતત સક્રિય થયેલી છે. જુદી જુદી માહિતીઓના આધાર પર કામગીરી ચાલી રહી છે છતાં કોઇ સફળતા હાથ લાગી રહી નથી. કોંગ્રેસના પ્રવક્તાએ આજે દિલ્હી સરકાર અને એએપી પર પ્રહાર કર્યા હતા.

         બીજી બાજુ દિલ્હી પોલીસે ઉત્તરપૂર્વીય હિંસાના સંદર્ભમાં ૧૦૬ લોકોની ધરપકડ કરી લીધી છે. આ સિલસિલો હજુ પણ જારી રહ્યો છે. કોમી હિંસાના સંદર્ભમાં સ્થિતિ હવે વધુ ખરાબ ન થયા તે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં રવિવાર બાદથી સ્થિતિ વધુ વણસી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને એએપીના આક્ષેપો જારી રહ્યા છે. દિલ્હી પોલીસ ઇન્ટેલીજન્સ બાતમીના આધાર પર હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારની સાથે સાથે દિલ્હી સરકાર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી બાજુ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) એસએમ શ્રીવાસ્તવે કહ્યું છે કે, જે માહિતી આવી રહી છે તે મુજબ સ્થિતિ સુધરી રહી છે. કાયદાકીય પગલા લેવાઈ રહ્યા છે. ધરપકડનો દોર પણ શરૂ થઇ ચુક્યો છે. બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા આ અંગેની ભલામણ કરાઈ હતી.

(7:54 pm IST)