Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કાશ્મીરી પંડીતો-મુસ્લીમો હળી મળીને આપશે શાંતિનો સંદેશો

ઘાટીમાં ૩૦ વર્ષ બાદ સંયુકત રેલીઃ કાલે લહેરાશે પ્રેમ અને સદભાવનો પરચ્છમ

શ્રીનગર, તા., ર૭: ચીનારના ઝાડ ઉપરથી સુકાયેલા પાંદડા ખરી ચુકયા છે. ખીર ભવાની મંદિરનું પાણી ગુલાબી છે. બરફ ઓગળવાની સાથે ઘાટીની રંગત પણ બદલવા લાગી છે. આખી દુનિયાને શાંતિનો સંદેશો દેવા માટે શુક્રવારે લગભગ ૧ લાખ હિંદુ-મુસ્લીમો સફેદ ઝંડા હાથમાં લઇ રેલી કાઢશે. નફરતની દિવાલ પાડી સહઅસ્તિત્વને  કાયમ કરવાના મકસદ સાથે 'સાથ દો' રેલી બટમાલુથી શરૂ થશે. આ રેલી નિહટ્ટાથી શરૂ થઇ પોલો વ્યુ સ્ટેડીયમ અને બજાર સુધી પહોંચશે.

કાશ્મીરમાં ૩૦ વર્ષ બાદ આવી સંયુકત રેલી નિકળશે. જેમાં કાશ્મીરી પંડીતો અને મુસ્લીમો જોડાશે. કાશ્મીરી પ્રવાસી વાપસી અને પુનઃવર્સન સંગઠનના અધ્યક્ષ સતિષ મહલદારએ જણાવ્યું કે રેલીનો ઉદ્ેશ ઘાટીમાં સંબંધોનું નિર્માણ કરવાનો છે. શાંતિ અને સામાન્ય સ્થિતીનું નિર્માણ કરવાનો છે. સંગઠનની અપીલમાં તેમણે કહયું કે 'અમારી માં દિકરીઓ રોઇ રહી છે, ડર સાથે જીવી રહી છે, આવો બધી કડવાશો પાછળ છોડી નવનિર્માણ કરીએ, શાંતિ સાથે ચાલીએ'.

રેલીમાં ઘાટી છોડી ગયેલા લોકોને પોતપોતાના ઘેર પાછા ફરવાની અપીલ કરવામાં આવશે. મહલદારના કહેવા મુજબ ઘાટીમાં ઘર વાપશી માટેનો માહોલ અને મંચ તૈયાર કરવાની કોશીષ છે. અમે કાશ્મીરી પંડીતોને ઘાટીમાં પાછા લાવીશું. તેમના વગર કાશ્મીર અધુરૂ છે. શીખો, મુસલમાનોએ પણ પલાયન કર્યુ હતું તેમને પણ પાછા લાવીશું.

સરકારી આંકડા મુજબ જમ્મુમાં ૪૧,૧૩ર અને દિલ્હીમાં ર૧,૦૦૦ કાશ્મીરી પ્રવાસી પરીવારો છે. જમ્મુમાં રહેવાવાળા પ્રવાસી પરીવારોમાં ૩૭,૧ર૮ હિંદુ, રર૪૬ મુસ્લીમ અને ૧૭પ૮ શીખ પરીવારો છે. કાશ્મીરી પંડીત સંઘર્ષ સમીતીના જણાવ્યા મુજબ ઘાટીમાં ૮૦૮ કાશ્મીરી પંડીત પરીવાર છે.

(3:58 pm IST)