Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો

બમ્પર પાકના અનુમાન અને ભાવ સ્થિર થતાં ગ્રુપ ઓફ મિનીસ્ટર્સની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી તા. ર૭ :.. સરકારે અગાઉ ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે આ નિર્ણય દેશમાં ડુંગળીના બમ્પર પાકના અનુમાનના આધારે તેમજ ડુગળીની કિંમતમાં હાલ સ્થિરતાને જોઇને લીધો છે. ગઇ સાલ માર્ચ મહિનામાં ર૮.૪ લાખ ટનની તુલનાએ આ વર્ષે માર્ચમાં ડુંગળીનું ઉત્પાદન ૪૦ લાખ ટન થવાનંુ અનુમાન છે.

આમ, દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને નવા બમ્પર પાકના અનુમાનને લઇને સરકો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી ખેડૂતોને વિદેશી બજારમાં ડુંગળીના સારા ભાવ મળી શકશે. થોડા સમય પહેલાં ડુંગળીના ભાવ બેકાબુ બન્યા બાદ નિકાસ પર પ્રતિબંધ મુકાયો હતો. ગઇ સાલ ઓકટોબર-નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ. ૧પ૦ ની આસપાસ પહોંચી ગયા હતાં. પરંતુ જાન્યુઆરીના અંતથી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં ૩પ થી ૪૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હાલ રિટેલ બજારમાં ડુંગળીની કિંંમત પ્રતિ કિલો રૂ. ૩૦ અને તેથી નીચે ચાલી ગઇ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે સપ્લાય વધવાથી ડુંગળીની કિંમત હજુ વધુ ઘટશે.

ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની બેઠકમાં અ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં અમિત શાહ ઉપરાંત રામવિલાસ પાસવાન, કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને વાણીજય પ્રધાન પીયુષ ગોયલ પણ હાજર રહ્યા હતાં.

(3:55 pm IST)