Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

યે ભી દિલ્હી હૈ : હિન્દુઓએ હિંસાથી પીડિત મુસ્લિમ પરિવારો માટે ઘરના દરવાજા ખોલી આશ્રય આપ્યો

રેટઅશોકનગરમાં અસામાજિક તત્વોએ છ મકાન અને છ દુકાનો સળગાવી દીધી પરંતુ પાડોશીઓ 40 મુસલમાનો માટે દેવદૂત બન્યા

ઉત્તર- પૂર્વ દિલ્હીના અશોક નગરમાં લગભગ 40 મુસલમાનો માટે હિંદુ પડોશીઓ દેવદૂત બન્યા છે. અસામાજિક તત્વોએ અશોક નગરમાં  મુસલમાનોનાં 6 મકાન સળગાવી દીધા. તેમની 6 દુકાનો ફુંકી મારી છે.

 દિલ્હીની હિંસામાં અનેક હિંદુ- મુસ્લિમોના ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. કેટલાક ઘરોમાં સંતાનોના લગ્ન હતા. તેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. જોકે હિંસામાં આ ખુશીઓ પર પાણી ફરી વળ્યું છે. આ આતંકની વચ્ચે એક આશાના કિરણની જેમ માનવતાનો એક દિપક જાણે આતંકના અંધારાને હરાવી રહ્યો હોય તેવા દ્રશ્યો દિલ્હીના અશોક નગરમાં જોવા મળ્યાં છે. અશોક નગરમાં હિંસામાં મંગળવારે બેઘર થયેલા મુસ્લિમોને હિંદુઓએ આશ્રય આપ્યો છે.

  બપોરે લગભગ 1 હજાર લોકોનું ટોળુ મસ્જિદની નજીક કોલોનીમાં ઘૂસી મસ્જિદમાં આતંક મચાવ્યો હતો. તેમજ લોકોના ઘર સળગાવ્યા હતા. આ વિસ્તારમાં 6 મુસ્લિમોના ઘર છે. ટોળાએ તેમના ઘર સળગાવવાની સાથે મસ્જિદ પર ભગવા સાથે તિરંગો ફરકાવ્યો હતો. જેને સ્થાનીક લોકોએ બુધવારે સવારે હટાવી દીધો હતો. તેમજ સ્થાનિકો તેમને નુકશાન ન કરવા કગરી રહ્યાં હતા. હુમલાખોરો બહારથી આવેલા હતા એવું સ્થાનિકોનું કહેવું છે.

દિલ્હીની હિંસાના કારણે મૌજપુરની સ્થિતિ સૌથી ખરાબ થઈ ગઈ હતી. જોકે આજે જનજીવન સામાન્ય થતુ જોવા મળ્યું હતું . નોંધનીય છે કે, મૌજપુરના મેઈન રોડની પાસે એક જુતાની દુકાનને લુંટી લેવામાં આવી છે. સવારે મૌજપુર ચૌકમાં કાલ કરતા આજે સુરક્ષા વધારવામાં આવી છે.

(1:39 pm IST)