Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આવતા મહિનાથી એસી-ફ્રીઝ-વોશીંગ મશીન મોંઘા

૩ થી ૪ ટકા સુધીનો ભાવ વધારોઃ કોરોનાની અસરઃ ટીવીના ઉત્પાદકોએ ૭ થી ૧૦ ટકા ભાવ વધારવા નિર્ણય લીધો

નવી દિલ્હી તા. ર૭ :.. કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ કંપનીઓએ માર્ચ મહિનાથી રેફ્રીજરેટર, એસી, માઇક્રોવેવ ઓવન અને વોશિંગ મશીનના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસના કારણે ચીનથી આવતા કોમ્પોનન્ટનો પુરવઠો ઘટી ગયો હોવાથી તેઓ ભાવ વધારી રહ્યા છે.

એલજી, વોલ્ટાસ, સેમસંગ, હાયર અને પેનાસોનિક સહિત તમામ મોટી ઉત્પાદક કંપનીઓએ તમામ મોડલના ભાવમાં ત્રણથી  પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે પ્રીમીયમ અને મોટી કેપેસીટીના મોડલના ભાવમાં ત્રણ થી ચાર હજાર રૂપિયાનો વધારો થશે.

દેશની સૌથી મોટી એસી ઉત્પાદક વોલ્ટાસના એમડી પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, 'ચીનમાં ઓછા ઉત્પાદનના કારણે તથા શિપમેન્ટનો ખર્ચ વધી જવાના કારણે કોમ્પોનન્ટ મોંઘા થયા છે. આ બજેટમાં કેટલાંક કોમ્પોનન્ટ પરની ડયુટી પણ ર.પ ટકા સુધી વધારવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં લેતા અમે કેટલોક વધારો ગ્રાહક પર લાદી રહ્યા છીએ.'

બજેટમાં રેફ્રીજરેટર અને એસી કોમ્પ્રેસર પરની ઇમ્પોર્ટ ડયુટી વધી છે.

આ ડયુટી ૧૦ ટકાથી વધારીને ૧ર.પ  ટકા કરવામાં આવી હતી જયારે વોશિંગ મશીન અને બીજા પ્રોડકટસમાં વપરાતી મોટરની ડયુટી ૭.પ ટકાથી વધારીને ૧૦ ટકા કરવામાં આવી છે. ભારતની સૌથી મોટી એપ્લાયન્સિસ ઉત્પાદક એલજી અને સેમસંગના સેલ્સ એકિઝકયુટીવ્સે મહત્વના ટ્રેડ પાર્ટનર્સને જણાવ્યું છે કે આગામી સપ્તાહથી માઇક્રોવેવ ઓવન અને વોશીંગ મશીનના ભાવમાં ત્રણથી ચાર ટકા વધારો કરવામાં આવશે. ત્યાર પછી રેફ્રીજરેટર અને એસીના ભાવ વધશે. આ વિશે સેમસંગ અને એલજીએ ટિપ્પણી કરી ન હતી. ટાટાની માલિકીની વોલ્ટાસ માર્ચથી એસીના ભાવ ત્રણ ટકા વધારશે. ત્યાર પછી મે મહિનામાં સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે. પેનાસોનિકે પણ એસી માટે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે અને ત્યાર પછી બીજા પ્રોડકટ વિશે વિચાર કરશે. હાયર દ્વારા એસી અને રેફ્રીજરેટના ભાવ ર.પ ટકાથી પાંચ ટકાની રેન્જમાં વધારાશે.

ગયા સપ્તાહમાં ટીવી ઉત્પાદકોએ પણ ટીવીના ભાવમાં માર્ચથી ૭-૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

(10:57 am IST)