Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

GST રિટર્ન અંગે વેપારીઓનું ટેન્શન દૂરઃ નવો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

હવે ગુજરાતી સહિત ૧ર ભાષામાં જીએસટી હેલ્પ ડેસ્ક નંબર પર વાતચીત થઇ શકશે

નવી દિલ્હી તા. ર૭ :.. વેપારીઓ માટે હવે જીએસટી રિટર્ન ભરવું વધુ સરળ થઇ જશે. જીએસટી રિટર્ન સાથે વેપારીઓના ટેન્શનને દૂર કરવા માટે નવો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩૪૭૮૬ જાહેર કરવામાં આવ્યો છે. ગુડસ એન્ડ સર્વિસ ટેકસ નેટવર્ક (જીએસટીએન) એ જીએસટી હેલ્પ ડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર ઇસ્યુ કર્યો છે. આ નંબર પર આખું વર્ષ એટલે કે ૩૬પ દિવસ સવારના ૯ થી રાતના ૯ સુધી ઓનલાઇન જીએસટી રિટર્ન ભરવા સંબંધિત સવાલોના જવાબ મળી શકશે.

જીએસટીએન દ્વારા ઇસ્યુ કરાયેલ નિવેદનમાં જણાવાયું છે કે તેમણે જીએસટી હેલ્પ ડેસ્કને વધુ સરળ બનાવ્યું છે. જીએસટીએનએ આ સાથે એવું પણ જણાવ્યું છે કે નવો ટોલ ફ્રી નંબર ઇસ્યુ કર્યા બાદ જીએસટી હેલ્પ ડેસ્કનો વર્તમાન નંબર ૦૧ર૦ - ર૪૮૮૮૯૯૯ બંધ કરી દેવામાં આવ્યો છે.

જીએસટી હેલ્પ ડેસ્કને દિવસમાં સરેરાશ ૮,૦૦૦ થી લઇ ૧૦,૦૦૦ સુધી ફોન કોલ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી રિટર્નને લઇ સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે જીએસટી રિટર્નની પ્રક્રિયા વધુ સરળ થશે. ૧ એપ્રિલ, ર૦ર૦ થી સરળીકૃત નવી વિવરણ સીસ્ટમ શરૂ થઇ જશે, જો કે તેમણે જણાવ્યું હતું કે ૧ જૂલાઇ, ર૦૧૭ ના રોજ લાગુ કર્યા બાદ જીએસટી અંગે કેટલીક મુશ્કેલીઓ સામે આવી હતી, પરંતુ જીએસટી કાઉન્સીલ તેને દૂર કરવા સક્રિય રહી છે. છેલ્લા બે વર્ષમાં ૬૦ લાખથી વધુ કરદાતાઓને જોડવામાં આવ્યા છે. હેલ્પ ડેસ્ક પર હવે હિંદી-અંગ્રેજીની સાથે ૧૦ નવી સ્થાનીક ભાષામાં પણ વાતચીત થઇ શકશે. કુલ મળીને ગુજરાતી, બંગાળી, મરાઠી, તેલુગુ, તામિલ, કન્નડ, ઓરિયા, મલયાલમ, પંજાબી અને આસામી ભાષા સહિત ૧ર ભાષામાં વાતચીત થઇ શકશે.

(4:24 pm IST)