Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગેસ સિલીન્‍ડરમાં પણ એક્‍સપાયર ડેટ લખેલી હોયઃ એબીસીડીના ચાર ગ્રુપમાં ત્રણ-ત્રણ મહિનાનો સમાવેશ થાય

દા.ત. સિલીન્‍ડરમાં ડી-2021 લખેલુ હોય તો તેનો અર્થ ઓક્‍ટોબર-નવેમ્‍બર-ડિસેમ્‍બર 2021માં એક્‍સપાયર થાય

નવી દિલ્‍હીઃ ઘણી વખત સિલીન્‍ડર ફાટવાની ઘટના બને છે. ગેસ સિલીન્‍ડરના ઉપરના ભાગે એક્‍સપાયરી ડેટ લખેલી હોય છે. જે આપણી સુરક્ષા માટે હોય છે.

ગેસ સિલિન્ડર આપણા રોજબરોજની જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. ભારત સરકારની ઉજ્વલા યોજના (UJJWALA) હેઠળ ગરીબી રેખા નીચે જીવતા લોકોને પણ વિનામૂલ્યે એલપીજી (LPG) સિલિન્ડર અપાય છે. ઘરમાં કોઈ પણ નાના હોય કે મોટા પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ સરળતાથી કરી લે છે. પરંતુ આધુનિક ચીજોના ફાયદાની સાથે સાથે નુકસાન પણ હોય છે. છાશવારે આપણને સિલિન્ડર ફાટવાની ઘટનાઓ જાણવા મળે છે. જો કે કેટલીક સાવધાની અને મહત્વપૂર્ણ જાણકારીઓ સાથે આપણે આ ઘટનાને ટાળી શકીએ છીએ. આવો જાણીએ કેવી રીતે...

શું તમે ક્યારેય ગેસ સિલિન્ડર પર  લખેલા નંબરો પર ધ્યાન આપ્યું છે ખરા? જો તમે તમારા ઘરમાં રહેલા સિલિન્ડરને ધ્યાનથી જોશો તો તમને તેની ઉપરના ભાગમાં કઈક નંબર છપાયેલો જોવા મળશે. આ નંબર એક પ્રકારનો કોડ છે જે તમારી સુરક્ષા માટે સિલિન્ડર પર પ્રિન્ટ કરેલો હોય છે.

આ કોડની શરૂઆતમાં લખેલા અંગ્રેજી અક્ષર A, B, C, D ના ચાર ગ્રુપમાં હોય છે. જેનો સંબંધ વર્ષના 12 મહિના સાથે હોય છે. અહીં A અક્ષરનો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે હોય છે જ્યારે B નો ઉપયોગ એપ્રિલ, મે અને જૂન મહિના માટે થાય છે. બરાબર એ રીતે C અક્ષરનો ઉપયોગ જુલાઈ, ઓસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે થાય છે જ્યારે D નો ઉપયોગ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે થાય છે.

જ્યારે આ અક્ષરો બાદ આવનારા અંક વર્ષને દર્શાવે છે. એટલે કે જો કોઈ સિલિન્ડર પર લખેલું હશે - A.20 તો તેનો અર્થ એ થયો કે વર્ષ 2020ના જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચ મહિનો.

અત્રે જણાવવાનું કે આ તારીખ ખાણીપીણીના સામાનની જેમ એક્સપાયરી ડેટ દર્શાવે છે. એટલે કે જો તમારા સિલિન્ડર પર B.21 લખેલું હોય તો તેનો અર્થ એ થયો કે તમારો સિલિન્ડર એપ્રિલ, મે અને જૂન 2021માં એક્સપાયર થવાનો છે.

એટલું જ નહીં આ નંબર સિલિન્ડરના ટેસ્ટિંગના સમયને પણ જણાવે છે. ઉપર આપવામાં આવેલા ઉદાહરણ મુજબ સિલિન્ડરનું ટેસ્ટિંગ એપ્રિલ, મે અને જૂન 2021માં થશે. આવામાં જો તમે આવું કોઈ સિલિન્ડર લેશો કે જેની ટેસ્ટિંગ ડેટ એટલે કે એક્સપાયરી ડેટ નીકળી ગઈ છે તો તે સિલિન્ડર તમારા માટે હાનીકારક બની શકે છે.

(5:15 pm IST)